Get The App

અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા પર કોર્ટની કાર્યવાહી, જાણો કયા મામલે દિલ્હી હાઈકોર્ટે પાઠવી નોટિસ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા પર કોર્ટની કાર્યવાહી, જાણો કયા મામલે દિલ્હી હાઈકોર્ટે પાઠવી નોટિસ 1 - image


Image Source: Twitter

Delhi High Court Action On Sunita Kejriwal: દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલને સોશિયલ મીડિયા પર કોર્ટની કાર્યવાહીનો વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. સુનિતા કેજરીવાલે સોશિયલ મીડિયા પર આ વીડિયો ત્યારે પોસ્ટ કર્યો હતો જ્યારે અરવિંદ કેજરીવાલ લીકર પોલિસી કૌભાંડ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા અને અમિત શર્માની બેન્ચે સુનિતા કેજરીવાલ અને અન્ય લોકો સામે વીડિયો કોન્ફરન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં દાખલ કરવામાં આવેલી એક PILની સુનાવણી કરતા નોટિસ મોકલી છે. 

સુનિતા કેજરીવાલે ઈરાદા પૂર્વક કોર્ટની અવમાનના કરી

સુનિતા કેજરીવાલ સામે આ PIL દિલ્હીના વકીલ વૈભવ સિંહે દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, મુખ્યમંત્રીના પત્નીએ જાણી જોઈને અને ઈરાદા પૂર્વક દિલ્હી હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલ વીડિયો કોન્ફરન્સિંગના નિયમોની અવગણના કરી છે. આ અરજીમાં અક્ષય મલ્હોત્રા, X યૂઝર નાગરિક-ઈન્ડિયા જીતેગા, પ્રમિલા ગુપ્તા, વિનેતા જૈન અને ડો. અરુણેશ કુમાર યાદવ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્ટે તમામ આરોપીઓને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ કેસની સુનાવણી 9મી જુલાઈના રોજ થશે. 

SITના ગઠનની માગ

કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં એક SITના ગઠનની માગ કરી છે, જે આ લોકો સામે તપાસ કરે અને FIR નોંધે જેમણે કોર્ટની કાર્યવાહીનો ઓડિયો અને વિડિયો સાર્વજનિક કર્યો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી ટ્રાયલ કોર્ટના જજનું જીવન જોખમમાં મુકાયું છે.

AAPના નેતા પર ષડયંત્ર કરવાનો આરોપ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અન્ય વિપક્ષી પાર્ટીઓના સભ્યો સહિત આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોએ જાણી જોઈને અને ઈરાદા પૂર્વક કોર્ટની કાર્યવાહીના ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ કર્યા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કર્યા છે. જેના કારણે કોર્ટની કાર્યવાહીને બગાડવી અને ખોટી દિશામાં વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કોર્ટની કાર્યવાહીનો ઓડિયો અથવા વીડિયો રેકોર્ડિંગ કરવાનું ષડયંત્ર અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના સદસ્યો દ્વારા રચવામાં આવ્યુ હતું.

આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ અરજીમાં એ લોકોની ઓળખ માટે સંપૂર્ણ તપાસની માગ કરવામાં આવી છે, જે કથિત રીતે કોર્ટની કાર્યવાહીના ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ કરીને તેને શેર કરવા માટે જવાબદાર છે. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે આરોપીઓને કોર્ટના અવમાનના કાયદા, 1971 અને વીડિયો કોન્ફરન્સિંગ નિયમોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ કડક સજા આપવામાં આવે. આ ઉપરાંત અરજીમાં એવી પણ માગ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આદેશ જારી કરવામાં આવે જેથી આવા અનધિકૃત રેકોર્ડિંગને રોકી શકાય. 


Google NewsGoogle News