ACમાં થયો બ્લાસ્ટ, ઘરમાં સૂઈ રહ્યા હતા પતિ-પત્ની, બંનેના નિધન
AC Blast in Jaipur: દેશના વિવિધ ભાગોમાં પ્રચંડ ગરમી પડી રહી છે. ભયંકર ગરમીમાંથી રાહત મેળવવા માટે ઘરો અને ઓફિસોમાં એર કંડિશનર (AC) અને કૂલરનો ઉપયોગ કરવામાં આવે છ. પરંતુ આ જ AC ઘણી વખત ઘરો કે ઓફિસોમાં આગનું કારણ પણ બને છે. ત્યારે રાજસ્થાનના જયપુરમાં એક ઘરમાં એસી બ્લાસ્ટ થતા ઘરની અંદર આગ ફાટી નીકળી હતી. જેના કારણે પતિ-પત્નીનું શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું છે. પતિ ઈન્ટિરિયર ડિઝાઇનર હતો અન પત્ની બેંક મેનેજરના પદ પરથી નિવૃત્ત હતા. સૂચના મળ્યા બાદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. થાઈલેન્ડમાં રહેતા મૃતકના પુત્રને પણ આ ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે.
ACમાં શોર્ટ સર્કિટ થયું હતું
આ ઘટના જયપુરના જવાહર નગર વિસ્તારની રામ ગલી કોલોની નંબર 7માં બની છે. 15 જૂનની રાત્રે 65 વર્ષીય પ્રવીણ વર્મા અને તેમની 60 વર્ષીય પત્ની રેણુ તેમના રૂમમાં AC ચાલુ રાખીને સૂઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે ACમાં શોર્ટ સર્કિટ થયું હતું. આગના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. જ્યારે પડોશીઓએ ઘરની અંદર આગ જોઈ તો તેઓઅ ફાયર બ્રિગેડની ટીમને તેની સૂચના આપી.
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. ટીમ ઘરના કાચ તોડી અંદર પ્રવેશી. આખું ઘર કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમને સર્ચ દરમિયાન બેડ પાસે દંપતી બેભાન હાલતમાં મળી આવ્યું. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેમના મોત થઈ ગયા હતા. આ મામલે પોલીસે જણાવ્યું કે, વૃદ્ધ દંપતીનો એકમાત્ર પુત્ર હર્ષિત વર્મા થાઈલેન્ડમાં ડોક્ટર છે. તે તેમની પત્ની સાથે થાઈલેન્ડમાં રહે છે. પોલીસે તેમને આ ઘટના અંગે જાણ કરી છે. હવે જ્યારે પુત્ર અને પુત્રવધૂ આવશે ત્યારે તેમને મૃતદેહો સોંપવામાં આવશે.
ACથી આગ લાગવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે
ACથી આગ લાગવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ નોઈડાથી પણ એક ઘટના સામે આવી હતી. નોઈડાના સેક્ટર 74માં આવેલી સુપરટેક કેપ ટાઉન સોસાયટીમાં 8 જૂનની રાત્રે એસીમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે આગ ફાટી નીકળી હતી. જો કે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં સોસાયટીના ફાયર સિક્યુરીટી તંત્રની મદદથી આગને કાબુમાં લઈ લીધી હતી. આ દુર્ઘટનામાં કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નહોતા આવ્યા.
આ પહેલા 6 જૂને સવારે ગાઝિયાબાદના વસુંધરામાં પણ ACના કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ પહેલા માળેથી બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ કાબુમાં આવી હતી પરંતુ બે મકાનોમાં ઘણો સામાન બળી ગયો હતો.