દેશનાં સૌથી ધનિક મહિલા સાવિત્રી જિન્દાલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાં
- ફોર્બ્સ મેગેઝિન મુજબ સાવિત્રી પાસે રૂ.2.42 લાખ કરોડની સંપત્તિ
- તેમના પુત્ર અને ઉદ્યોગપતિ નવીન જિન્દાલ પણ રવિવારે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતાં
ચંડીગઢ : હરિયાણાના પૂર્વ પ્રધાન સાવિત્રી જિન્દાલ કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં સામેલ થઇ ગયા હતાં. તાજેતરમાં જ તેમના પુત્ર અને ઉદ્યોગપતિ નવીન જિન્દાલ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં.
૮૪ વર્ષીય સાવિત્રી જિન્દાલ હિસારમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપમાં સામેલ થયા હતાં.
સાવિત્રીએ મોડી રાતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કોંગ્રેસ છોડવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી.
તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મેં એક ધારાસભ્ય તરીકે હિસારના લોકોનું પ્રતિનિધિત્ત્વ કર્યુ અને પ્રધાન તરીકે નિ:સ્વાર્થ રીતે હરિયાણા રાજ્યની સેવા કરી હતી.
હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહી છું.
ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિને ચાલુ વર્ષે દેશની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સાવિત્રી જિન્દાલનું નામ સામેલ કર્યુ હતું. મેગેઝિન અનુસાર પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને હરિયાણાના પૂર્વ પ્રધાન ઓ પી જિંદાલના પત્ની સાવિત્રી જિન્દાલની કુલ સંપત્તિ ૨૯.૧ અબજ ડોેલર એટલે કે અંદાજે રૂ. ૨.૪૨ લાખ કરોડ છે.
ઉલ્લેખનીય છે કે સાવિત્રી જિન્દાલ અગાઉની કોંગ્રેસ નેતૃત્ત્વવાળી ભૂપેન્દર સિંહ હૂડા સરકારમાં પ્રધાન હતાં. ૨૦૧૪માં તેઓ હિસારમાં ભાજપના ડો. કમલ ગુપ્તા સામે હારી ગયા હતાં.
૨૦૦૪ થી ૨૦૧૪ સુધી કોંગ્રેસનમા સાંસદ તરીકે કુરુક્ષેત્રનું પ્રતિનિધિત્ત્વ કરનાર નવીન જિન્દાલ રવિવારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં. ભાજપે કુરુક્ષેત્રમાંથી તેમને ટિકીટ આપી છે.