ભાજપનાં 10 વર્ષમાં કેટલાયે ગોડસે બન્યા પરંતુ 75 વર્ષમાં બીજા ગાંધી ન બની શક્યા : મહેબૂબા

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
ભાજપનાં 10 વર્ષમાં કેટલાયે ગોડસે બન્યા પરંતુ 75 વર્ષમાં બીજા ગાંધી ન બની શક્યા : મહેબૂબા 1 - image


- રાહુલ માટે મુફ્તિએ કહ્યું : એક આદમી ગોડસે વિરૂદ્ધ ઘૂમે છે

- કોંગ્રેસ-ભાજપ પોસ્ટર વૉર માટે કહ્યું : ભાજપના કોઈ નેતાને રાવણ દેખાડયો હોત તો પોસ્ટર રચાવનાર, રચનાર જેલમાં હોત તે પણ કેસ ચલાવ્યા વિના

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી અને પીડીપીનાં નેતા મહેબુબા મુફ્તિએ ભાજપ કોંગ્રેસની પોસ્ટર વૉર પછી જબરજસ્ત પ્રહારો કરતાં કહ્યું હતું કે છેલ્લાં ૭૫ વર્ષમાં દેશમાં બીજા મહાત્મા ગાંધી થઈ શક્યા નહીં પરંતુ ભાજપે માત્ર ૧૦ જ વર્ષમાં કેટલાયે ગોડસે પેદા કર્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં આ નેતાએ આ રીતે સીધો જ કેન્દ્ર સરકાર ઉપર હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે. તે સર્વવિદિત છે કે મુફ્તિએ આ વિધાનો ભાજપ-કોંગ્રેસ વચ્ચે, ચાલેલી પોસ્ટર વૉરના સંદર્ભમાં પણ કર્યાં હશે. તેમ નિરીક્ષકો તો સ્પષ્ટ રીતે કહે છે.

મહેબુબા મુફ્તિએ તેમ પણ કહ્યું હતું કે કોઈ ભાજપના નેતાને રાવણ તરીકે દર્શાવતું પોસ્ટર પ્રસીધ્ધ કર્યું હોત તો તેને જેલમાં જ નાખી દીધો હોત અને તે પણ કોઈ પ્રકારની તપાસ સિવાય તેને જામીન પણ આપવામાં આવ્યા ન હોત.

તેઓએ વધુમાં કહ્યું કે હવે ઇંડીયા-ગઠબંધનથી ભાજપા હતાશ થઇ ગઈ છે. તેની આ હરકતો ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે હવે ઇંડીયા ગઠબંધન સફળ નીવડશે જ. ભાજપની રણનીતિ જ હિન્દુ અને મુસ્લીમ વચ્ચે ભાગલા પાડવાની છે. પરંતુ હવે લોકો સમજી ગયા છે, તેઓ તેમાં નિષ્ફળ ગયા છે.

રાહુલ ગાંધી અંગે તેમણે કહ્યું કે એક આદમી આવા ગોડસે વિરૂધ્ધ ઘૂમી રહ્યો છે. તે લોકોની વચ્ચે જઈ તે બધાની (ભાજપની) વિચારધારા વિરૂધ્ધ કામ કરે છે. ભાજપ તેવા આદમીને નિશાન બનાવે છે. રાહુલ ગાંધી બનવાના પ્રયત્નો કરે છે પરંતુ તમોએ (ભાજપે) જે સેના તૈયાર કરી છે તે ગોડસેની છે. આવી પરિસ્થિતિમાં રહેવું પણ મુશ્કેલ છે.

સનાતન ધર્મ વિષે તેમણે કહ્યું ઘણા લોકો તેને કાયમ રાખવા માગે છે. પરંતુ તેઓ સનાતન ધર્મનો અર્થ જ સમજતા નથી તે શીખવાડતો નથી કે વિરોધીઓને રાવણ જેવા દર્શાવવામાં આવે. તે ધર્મનો હંમેશા વસુધૈવ કુટુમ્બકમ શિક્ષણ આપે છે. ભાજપ મુસલમાનોનું લીચીંગ કરે છે. યુવાનોને તેની વિરૂધ્ધ ઉશ્કેરવામાં આવે છે. તેઓ ભગવાન શ્રીરામનો નારો ખોટી રીતે વાપરે છે. આ ઉપરાંત મુફ્તિએ લડાખ અને મોંઘવારી માટે પણ ભાજપ ઉપર નિશાન સાધ્યું હતું.


Google NewsGoogle News