Get The App

'70 વર્ષમાં દેશ બન્યો, ભાજપે 8 વર્ષમાં ખતમ કરી દીધો' કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનની શરૂઆત

Updated: Aug 5th, 2022


Google NewsGoogle News
'70 વર્ષમાં દેશ બન્યો, ભાજપે 8 વર્ષમાં ખતમ કરી દીધો' કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનની શરૂઆત 1 - image


- કોંગ્રેસે આજે મોંઘવારી, બેરોજગારી, ખાદ્ય પદાર્થો પર લાગુ કરવામાં આવેલા જીએસટી, અગ્નિવીર યોજનાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે

નવી દિલ્હી, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવાર

કોંગ્રેસે મોંઘવારી તથા રોજિંદા વપરાશની ચીજ-વસ્તુઓની કિંમતોમાં થઈ રહેલા વધારાના પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શનનો નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ સાથે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ હતી. 

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આજે દેશમાં લોકશાહી નથી. ફક્ત તાનાશાહી છે. અમે મોંઘવારીનો મુદ્દો ઉઠાવીએ છીએ. અમને સંસદમાં બોલતા અટકાવાય છે. બહાર પ્રદર્શન કરીએ તો ધરપકડ કરી લેવાય છે. 70 વર્ષમાં દેશ બન્યો પરંતુ ભાજપે તેને 8 વર્ષમાં જ ખતમ કરી નાખ્યો. પછી તે બેરોજગારી, હિંસા કે મોંઘવારીનો મુદ્દો હોય, સરકારનો માત્ર એક જ એજન્ડા છે કે આ મુદ્દાઓને ઉઠાવવામાં ન આવે. 

ભારતમાં સૌથી વધુ બેરોજગારી

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસની કિંમતો વધી રહી છે પરંતુ નાણા મંત્રીને તે દેખાતું નથી. કોઈ પણ ગામ, શહેરમાં જાઓ, લોકો કહેશે કે મોંઘવારી છે પરંતુ સરકારને નથી દેખાતી. સરકાર મોંઘવારી, બેરોજગારીથી ડરે છે. તેઓ જનતાની તાકાતથી ડરે છે. કારણ કે, આ લોકો ખોટું બોલે છે. તે લોકો ખોટું બોલે છે કે બેરોજગારી નથી, મોંઘવારી નથી. ચીન નથી આવ્યું. આ લોકો માત્ર ખોટું જ બોલે છે. 

'સાચું બોલવાના કારણે મારા પાછળ એજન્સીઓ લગાવાઈ'

રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, 'હું મોંઘવારી પર બોલું છું, બેરોજગારી પર બોલું છું. હું માત્ર સત્ય બોલું છું એટલે મારા પાછળ એજન્સીઓ લગાવી દેવાઈ. પરંતુ હું સત્ય બોલવાથી ડરતો નથી. હું સત્ય બોલું છું માટે તે લોકો મારા પર આક્રમણ કરે છે. હું જેટલું વધુ સત્ય બોલીશ તેટલા વધુ આક્રમણ થશે. પરંતુ હું તેમનાથી ડરતો નથી. મારા પર જેટલા આક્રમણ થાય છે તેટલું હું શીખું છું. મને સારૂં લાગે છે.'

વધુમાં જણાવ્યું કે, હિટલર પણ ચૂંટણી જીતીને આવ્યો હતો.તે પણ ચૂંટણી જીતતો હતો. હિટલર પાસે જર્મનીની તમામ સંસ્થાઓનું સંપૂર્ણ માળખું હતું. મને સમગ્ર માળખું આપી દો પછી હું બતાવું. હિંદુસ્તાનની તમામ સંસ્થા આજે સ્વતંત્ર અને નિષ્પક્ષ નથી. હિંદુસ્તાનની દરેક સંસ્થા આજે RSSના નિયંત્રણમાં છે. અમે માત્ર એક રાજકીય પાર્ટી સામે નથી લડી રહ્યા પરંતુ હિંદુસ્તાનના સંપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે લડી રહ્યા છીએ. 

કોંગ્રેસનું દેશવ્યાપી પ્રદર્શન

કોંગ્રેસે આજે મોંઘવારી, બેરોજગારી, ખાદ્ય પદાર્થો પર લાગુ કરવામાં આવેલા જીએસટી, અગ્નિવીર યોજનાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે. કોંગ્રેસના આ કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓ ઉપરાંત સામાન્ય કાર્યકરો પણ સામેલ થઈ રહ્યા છે. 

દિલ્હીમાં કલમ 144 લાગુ

ગુરૂવાર રાતથી જ કોંગ્રેસના કાર્યકરો ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના હેડક્વાર્ટર બહાર એકઠા થવા લાગ્યા હતા. તેઓ દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી આવાસ, રાષ્ટ્રપતિ ભવનને ઘેરવાનો પ્રયત્ન કરે તેવી પણ શક્યતા છે. દિલ્હી પોલીસે જંતર-મંતરને છોડીને નવી દિલ્હીના સમગ્ર વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દીધી છે. 



Google NewsGoogle News