Get The App

અમેરિકામાં અદાણીના કેસમાં વળાંક આવી શકે છે, અમેરિકન પ્રમુખ તરીકે ટ્રમ્પના શપથ બાદ ‘ખેલ’ની શક્યતા

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
અમેરિકામાં અદાણીના કેસમાં વળાંક આવી શકે છે, અમેરિકન પ્રમુખ તરીકે ટ્રમ્પના શપથ બાદ ‘ખેલ’ની શક્યતા 1 - image

Adani case take turn after Donald Trump become US President : ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત આઠ લોકો પર અમેરિકાની ન્યૂ યોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે છેતરપિંડી અને લાંચનો મૂકીને કેસ દાખલ કર્યો છે. કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ પણ જારી કરી દીધું છે. જો કે, આ આરોપો અદાણી ગ્રૂપે ફગાવી દીધા છે. હવે સવાલ એ છે કે, હાલમાં જ અમેરિકામાં પ્રમુખપદની  ચૂંટણી યોજાઈ હતી, જેમાં રિપબ્લિકન ઉમદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી છે. તો શું ટ્રમ્પના શપથ ગ્રહણ પછી અદાણી મામલે કોઈ નવો ખેલ થશે કે અદાણી લાંચ કાંડના આરોપીઓને સજા મળશે? ચાલો, આ મુદ્દો વિગતે સમજીએ. 

અદાણી ગ્રૂપ, ટ્રમ્પ અને મોદી સરકારના સંબંધ 

અમેરિકામાં અદાણી ગ્રૂપના લાંચ કાંડ પછી વ્હાઈટ હાઉસે કહ્યું છે કે, આ કેસ પર અમારી નજર છે. ભારત-અમેરિકાના સંબંધો મજબૂત છે. બીજી તરફ, હવે ચર્ચા એ થઈ રહી છે કે ટ્રમ્પ-મોદીની દોસ્તી પણ દુનિયાભરમાં જાણીતી છે, ત્યારે જાણકારો કહે છે કે ટ્રમ્પના શપથગ્રહણ બાદ અદાણીના કેસમાં નવો વળાંક આવી શકે છે. તેનું કારણ એ છે કે, ભારત સરકાર માટે અદાણીનો કેસ ગળામાં હાડકું ફસાયા જેવો છે. તો કેટલાક લોકો મજાક કરે છે કે, મોદી સરકારે કરેલા ટ્રમ્પના વખાણ કામ લાગશે કે નહીં એ જોવું રસપ્રદ બની રહેશે. આ પહેલા ચૂંટણી જીત્યા ત્યારે અદાણીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહીં, એ વખતે ગૌતમ અદાણીએ અમેરિકામાં 10 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. અમેરિકામાં ઊર્જા સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 10 બિલિયનનું રોકાણ કરવાનું વચન પણ આપ્યું હતું. 

આ પણ વાંચોઃ અદાણીકાંડના આટાપાટા: સૌર પ્રોજેક્ટ ભારતનો, લાંચ પણ ભારતીયોને, તો તપાસ અમેરિકામાં કેમ?

ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ નવો વળાંક લઈ શકે 

ટ્રમ્પ 'અમેરિકા ફર્સ્ટ' નીતિને વળગેલા છે. તેઓ અમેરિકાના હિતોની રક્ષા કરવા પર ભાર મૂકવા જાણીતા છે. એવું ચર્ચા છે કે, ટ્રમ્પ ઇચ્છે તો અદાણી અંગે ભારત સાથે ડીલ કરી શકે છે. એક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર, અદાણીની નજીકની એક વ્યક્તિએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, ટ્રમ્પના પરિવારનો એક સભ્ય અમદાવાદમાં અદાણીના નિવાસસ્થાને પણ ગયો હતો. જો કે, એ મુલાકાત કેમ થઈ હતી એ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. આ કેસની કાર્યવાહીમાં ઘણાં મહિના લાગી શકે છે. જો કે તે પણ ટ્રમ્પ સરકારના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના વલણ પર નિર્ભર રહેશે, એ નક્કી છે.  

શું છે અમેરિકાના લાંચ કાંડનો મામલો?

આ સમગ્ર મામલો સૌર ઊર્જા પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. ડિસેમ્બર 2019થી જુલાઈ 2020 વચ્ચે ભારત સરકારની માલિકીની કંપની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)એ બે કંપનીઓ માટે લેટર ઓફ એવોર્ડ આપ્યા હતા. તેમાંથી એક કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. છે, તો બીજી મોરેશિયસની Azure Power Global Limited છે. ભારત સરકારે આ બંને કંપનીને કુલ 12 ગીગા વોટ સૌર ઊર્જાનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી હતી. તેમાંથી 8 ગીગા વોટ અદાણીની કંપની દ્વારા અને 4 ગીગા વોટ સૌર ઊર્જા એઝ્યુર કંપની ઉત્પાદન કરવાની હતી. તે સમયે અદાણી જૂથે આ કરારને વિશ્વનો સૌથી મોટો સૌર ઊર્જા કરાર ગણાવ્યો હતો. જો કે, બાદમાં આ સમજૂતી તેમના માટે પડકાર બની ગઈ અને હવે તે સંકટ લઈને આવી છે.

ભારતમાં કોઈ ખાનગી કંપની સરકારને વીજળી ના વેચી શકે 

હવે ખેલ કેવો થયો એ વિચારો. ભારતમાં નિયમ પ્રમાણે કોઈ ખાનગી કંપની કેન્દ્ર કે રાજ્ય સરકારને સીધી વીજળી વેચી ના શકે. આવો સોદો કરવો હોય તો ભારત સરકારની કોઈ કંપનીનું હોવું જરૂરી છે. તેથી આ કિસ્સામાં પણ ભારત સરકારની કંપની SECIએ સૌર ઊર્જા ખરીદવા માટે વિવિધ રાજ્યો સાથે વાત કરી હતી, પરંતુ વીજળીના ઊંચા દર હોવાના કારણ કે, ભારતનું એકેય રાજ્ય આ કંપનીઓ પાસેથી વીજળી ખરીદવા માટે તૈયાર ન હતું. 

અમેરિકાની કોર્ટમાં શું આરોપ લગાવાયા?

હવે અમેરિકામાં ન્યૂયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર લગભગ 2200 કરોડ રૂપિયાની લાંચ જે તે સરકારી અધિકારીઓને ઓફર કરી હતી. જેના કારણે બંને કંપનીઓને વર્ષ 2021 અને 2022 વચ્ચે ઘણી રાજ્ય સરકારો પાસેથી મોટા સોલર એનર્જી પ્રોજેક્ટ્સ મળી ગયા હતા. જેમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ અને છત્તીસગઢની સરકારોનો ઉલ્લેખ છે. એઝ્યુર કંપની 638 કરોડ રૂપિયાની લાંચ આપવાની હતી,. જ્યારે ગૌતમ અદાણીની કંપનીને લગભગ 1.5 હજાર કરોડ રૂપિયાની લાંચ આપવાની હતી. લાંચનો સૌથી મોટો હિસ્સો લગભગ રૂ. 2029 કરોડ આંધ્ર પ્રદેશના અધિકારીઓને મળ્યો હોવાનો આરોપ છે. આંધ્ર પ્રદેશના અધિકારીને આ લાંચ કેમ અપાઈ છે, એ સમજી શકાય એમ છે. 

આ પણ વાંચો: શું ગૌતમ અદાણીની અમેરિકામાં ધરપકડ થઈ શકે? જાણો દોષિત સાબિત થાય તો કેટલી સજા થશે

ભારતમાં લાંચ આપવા અમેરિકામાં ફંડ ઊભું કરાયું

અહીં સવાલ એ છે કે અદાણી અને એઝ્યુર કંપનીએ લાંચ ભારતમાં આપી છે. તો અમેરિકાની કોર્ટમાં કેસ શું કામ નોંધવામાં આવ્યો? હકીકતમાં આ લાંચની રકમ અમેરિકાના શેરબજારમાં લિસ્ટેડ કંપની એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડ સાથે સંબંધિત છે. અમેરિકામાં FCPA એટલે કે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ છે. તે અંતર્ગત અમેરિકન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓ અન્ય દેશોના સરકારી અધિકારીઓને લાંચ આપી શકે નહીં. એઝ્યુર કંપની અમેરિકાના શેરબજારમાં લિસ્ટેડ હોવાથી આ કેસની તપાસ અમેરિકામાં કરાતી હતી. આ કેસમાં અદાણી ગ્રૂપ અને તેના અધિકારીઓની સાથે એઝ્યુર કંપની પણ આરોપી છે.

ભારત-અમેરિકાના સંબંધ મજબૂતઃ વ્હાઈટ હાઉસ 

આ દરમિયાન અદાણી કેસમાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા કરીન જિન પિયરે કહ્યું છે કે, 'અમે અદાણી પર લાગેલા આરોપોથી વાકેફ છીએ. તેની સામેના આરોપો જાણવા અને સમજવા અમારે યુએસ સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશન અને ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ પાસે જવું પડશે. જ્યાં સુધી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો સવાલ છે, હું માનું છું કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ છે. અમને ખાતરી છે કે આ સંબંધ ભવિષ્યમાં પણ સારા રહેશે. ખરેખર, આ એક એવો મામલો છે, જેના સંબંધમાં તમે SEC અને DOJ સાથે સીધી વાત કરી શકો છો. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત છે.'

અમેરિકામાં અદાણીના કેસમાં વળાંક આવી શકે છે, અમેરિકન પ્રમુખ તરીકે ટ્રમ્પના શપથ બાદ ‘ખેલ’ની શક્યતા 2 - image


Google NewsGoogle News