Get The App

અમેરિકન ડ્રીમ સાકાર કરવાના ચક્કરમાં 43 કરોડનો ધૂમાડો, વિલે મોઢે પાછા આવેલા પંજાબીઓ હવે કેસ કરશે

Updated: Feb 19th, 2025


Google News
Google News
Chase the American Dream


Punjab Paid Over Rs 43 crore to Chase the American Dream: અમેરિકાએ હાથ-પગ બાંધીને અપમાનજનક હાલતમાં તગેડી મૂકેલા ભારતીયોની ઘરવાપસી થઈ રહી છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે લોકોએ લાખો રૂપિયા ખર્ચ્યા હતા, જે હવે માથે પડ્યા છે. એકલા પંજાબના ગેરકાયદેસર વસાહતીઓએ જ અમેરિકન ડ્રીમ પૂરું કરવાના ચક્કરમાં ટ્રાવેલ એજન્ટોને 43 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આંખ મીંચીને અજાણ્યા એજન્ટો પર વિશ્વાસ મૂકી દેવાયો હતો.

આંકડાં ચોંકાવનારા છે

5, 15 અને 16 ફેબ્રુઆરીએ અમૃતસરમાં અમેરિકાના ત્રણ લશ્કરી એરક્રાફ્ટ ઉતર્યા હતા. આ ત્રણ બેચમાં અમેરિકા દ્વારા કુલ 332 ભારતીયોને દેશનિકાલ કરાયા હતા, જેમાં 127 પંજાબીઓનો સમાવેશ થાય છે. આ 127 લોકોએ અમેરિકામાં ઘૂસ મારવા માટે જુદા-જુદા દેશના ટ્રાવેલ એજન્ટોને કુલ 43 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ આંકડો પંજાબ સરકારે આપ્યો છે.

કયા બેચના લોકોએ કેટલા ચૂકવ્યા હતા?

પંજાબ સરકારના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર વસાહતીઓને પૂછવામાં આવ્યું હતું કે, તેમણે કયા એજન્ટને કેટલા નાણાં ચૂકવ્યા હતા, જેને આધારે આ આંકડા મળ્યા છે. પ્રથમ બેચમાં આવેલા 31 પંજાબીઓએ અલગ-અલગ એજન્ટોને કુલ 4.95 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનું કબૂલ કર્યું હતું. 65 લોકોની બીજી બેચે 26.97 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા અને 31 પંજાબીઓની ત્રીજી બેચે એજન્ટોને 11.37 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનું સ્વીકાર્યું હતું. અલબત્ત, અમુક લોકોએ એજન્ટોને ચૂકવેલી રકમ જાહેર કરી ન હતી. એટલે એજન્ટોને ચૂકવાયેલ કુલ રકમનો આંકડો 43 કરોડ રૂપિયાથી વધુ જ હોવાનો.

અજાણ્યા એજન્ટોને લાખો આપી દીધા!

અમૃતસર એરપોર્ટ પર ઉતરેલા પંજાબીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મોટાભાગના લોકોને ખબર જ નહોતી કે એમનો એજન્ટ ખરેખર ક્યાં રહે છે! કોઈના એજન્ટ પાકિસ્તાનના હતા, તો કોઈના દુબઈ. કોઈના યુરોપના હતા તો કોઈના મેક્સિકો. આવા વિદેશી એજન્ટોને ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવ્યું હતું. 

અમેરિકા જવાની લાયમાં લોકોએ અજાણ્યા એજન્ટો પર આંધળો વિશ્વાસ મૂકીને એમને પ્રતિ વ્યક્તિ 40-45 લાખ રૂપિયા આપી દીધા હતા. અલબત્ત, પંજાબના શહેરો અને ગામડાંઓમાં પણ ઘણા એજન્ટો આ ધંધામાં લાગેલા છે. ઘણાં પંજાબીઓએ એવા સ્થાનિક એજન્ટોને નાણાં આપીને અમેરિકામાં ગેરકારદેસર એન્ટ્રી મેળવી હતી. 

ન નામ, ન રસીદ, બધું ભગવાન ભરોસે

અમેરિકાથી ભારત આવેલ ઘણા લોકોએ સોશિયલ મીડિયા દ્વારા એજન્ટોનો સંપર્ક કર્યો હતો. મોટાભાગના પંજાબીઓ તેમના એજન્ટોનું નામ કે સરનામું જાણતા નથી. નાણાંની ચૂકવણી બદલ કોઈ એજન્ટ કોઈપણ પ્રકારની રસીદ પણ નથી આપતો. આ ધંધામાં બધો વ્યવહાર મૌખિક જ ચાલે છે. જરા વિચારો તો ખરા કે, અમેરિકા જવાની ઈચ્છા એવી તો કેવી પ્રબળ હશે કે લોકો જીવનભરની બચત અજાણ્યા એજન્ટોના હાથમાં આપી દે છે!

એજન્ટો પર કોર્ટ કેસ કરવાની તૈયારી

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે તમારા એજન્ટ પર કોર્ટ કેસ કરશો? એના જવાબમાં અમુક લોકોએ કહ્યું હતું કે, તેઓ તેમના એજન્ટ સામે કોઈ કેસ નોંધવા માંગતા નથી. અમુકે કહ્યું હતું કે, તેઓ તેમના પરિવાર સાથે આ અંગે ચર્ચા કરશે અને પછી નિર્ણય લેશે. 127 માંથી ફક્ત 18 જણે કહ્યું હતું કે, તેઓ તેમના એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

અમેરિકન ડ્રીમ સાકાર કરવાના ચક્કરમાં 43 કરોડનો ધૂમાડો, વિલે મોઢે પાછા આવેલા પંજાબીઓ હવે કેસ કરશે 2 - image

Tags :
american-dreamUS-Deportationpunjab

Google News
Google News