મધ્યપ્રદેશમાં કૌભાંડ કરનાર અધિકારીને પટાવાળો બનાવી દેવાયો, સરકારી વિભાગમાં સન્નાટો છવાયો
Madhya Pradesh: મધ્યપ્રદેશમાં બુરહાનપુર જિલ્લા કલેક્ટર ભવ્યા મિત્તલે ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરેલા સરકારી અધિકારીને પટાવાળો બનાવી દેતા સરકારી વિભાગોમાં સનસનાટી મચી ગઈ છે. ભ્રષ્ટાચારી સામે આ પ્રકારની કાર્યવાહી ભાગ્યે જ થતી હોય છે.
આંગણવાડી સહાયિકા ભરતી માટે લાંચ માંગવાનો આરોપ
કલેક્ટર ભવ્યા મિત્તલે જણાવ્યું હતું કે લાંચિયા અધિકારી સુભાષ કાકડે પર આંગણવાડી સહાયિકા ભરતી માટે લાંચ માંગવાનો આરોપ હતો. કેસની ગંભીરતા જોતાં જુલાઈ 2024માં સુભાષ કાકડેને સસ્પેન્ડ કરીને વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી હતી. કાકડે મહિલા તેમજ બાળવિકાસ વિભાગની પરિયોજના કચેરીમાં સહાયક ગ્રેડ-3ના હોદ્દા પર હતો.
સંતોષજનક સ્પષ્ટીકરણ કરવામાં અસમર્થ
મહિલા તેમજ બાળવિકાસ વિભાગના તપાસ અધિકારી, અપર કલેક્ટર અને પરિયોજના અધિકારી દ્વારા સુનાવણીમાં પૂરી તક આપવા છતાં સુભાષ કાકડે પોતાનું સંતોષજનક સ્પષ્ટીકરણ કરવામાં અસમર્થ નીવડયા હતા.
નેપાનગરમાં પટાવાળાના પદ પર ટ્રાન્સફર કર્યા
તપાસમાં પ્રમાણિત થયું હતું કે કાકડેએ હોદ્દાનો દુરઉપયોગ કરીને નાણાકીય લાભ લીધો હતો. કલેક્ટરે આકરી કાર્યવાહી કરતાં સુભાષ કાકડેને નેપાનગરમાં પટાવાળાના પદ પર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેને સસ્પેન્ડ કર્યા. ભ્રષ્ટાચાર સામે આકરા પગલાં લેવાના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.