18 વર્ષથી વધુ વયના લોકો વેક્સીન લેવા માટે 24 એપ્રિલથી રજિસ્ટ્રેશન કરાવી શકશે
નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2021, ગુરૂવાર
દેશમાં કોરોનાના રસીકરણને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી વધારે વયના લોકોને પણ વેક્સીન આપવાની જાહેરાત તાજેતરમાં કરી હતી.
આ માટેનુ રજિસ્ટ્રેશન 24 એપ્રિલથી શરુ થશે તેમ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, સરકારના CoWin પ્લેટફોર્મ પર 24 તારીખથી રસી મુકવા માટેનુ રજિસ્ટ્રેશન શરુ કરવામાં આવસે.આગામી 48 કલાકમાં આ સાઈટ રજિસ્ટ્રેશન માટે ઓપન થઈ જશે.
વેક્સીનેશનના નવા નિયમો પ્રમાણે રાજ્ય ને ખાનગી સંસ્તાઓ રસીકરણ માટે કંપનીઓ પાસેથી સીધા રસીના ડોઝ ખરીદી શકશે. ભારતમાં પહેલેથી જ ઉપલબ્ધ બે વેક્સી કોવિશિલ્ડ અને કોવાક્સિન સિવાય રશિયાની સ્પુતનિક વેક્સીન પણ મે મહિનામાં ભારતના બજારોમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે.
ડો.હર્ષવર્ધને રજિસ્ટ્રેશનની જાણકારી આપતા કહ્યુ હતુ કે, જો તમે 18 વર્ષથી વધુ વયના છો તો વેક્સીન લેવા માટે તૈયાર થઈ જાવ. બહુ જલ્દી વેક્સીનેશન શરુ થવાનુ છે.કોરોના વાયરસની હાલની સ્થિતિ ગંભઈર છે પણ સરકાર અને સમાજ ભેગા થઈને કામ કરશે અને કોરોના વાયરસની નવી લહેર પર કાબૂ મેળવીશું. દેશમાં ઓક્સિજન અને ગંભીર સારવારની જરુર પડે તેવા દર્દીઓની સંખ્યા બે દિવસમાં ઓછી થઈ છે.
તેમણે દાવો કર્યો હતો કે, ભારત હાલમાં રસીકરણમાં દુનિયાના તમામ દેશોને પાછળ છોડીને નંબર વન છે.