કોરોનાના નવા વેરિયન્ટ JN.1ની ગુજરાત સહિત 10 રાજ્યોમાં એન્ટ્રી, કુલ 200 કેસ નોંધાયા
દેશમાં કોવિડ-19 કેસો ઉપરાંત નવા વેરિયન્ટના કેસો પણ સતત વધ્યા
નવા વેરિયન્ટના સૌથી વધુ કેસો કેરળ, ગોવા અને ગુજરાતમાં
નવી દિલ્હી, તા.01 જાન્યુઆરી-2024, સોમવાર
Covid 19 Sub Variant JN.1 : ભારતમાં સતત વધી રહેલા કોવિડ-19 કેસો વચ્ચે કોરોનાના સબ-વેરિયન્ટ JN.1ના કેસો પણ દિવસે દિવસે વધી રહ્યા છે. દેશમાં નવા વેરિયન્ટના કુલ કેસોનો આંકડો 1 જાન્યુઆરી સુધીમાં 196 પર પહોંચી ગયો છે. INSACOGના અહેવાલો મુજબ દેશમાં JN.1ના કુલ 196 કેસો સામે આવ્યા છે. અહેવાલ મુજબ ઓડિશામાં પણ નવા વેરિયન્ટનો પગપેસારો થયો છે. અત્યાર સુધીમાં દેશના કુલ 10 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા વેરિયન્ટના કેસો સામે આવ્યા છે.
નવા વેરિયન્ટના સૌથી વધુ કેસો કેરળ-ગોવા-ગુજરાતમાં
ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના અહેવાલો મુજબ નવા વેરિયન્ટના સૌથી વધુ 83 કેસ કેરળમાં નોંધાયા છે. ત્યારબાદ ગોવામાં 51, ગુજરાતમાં 34, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 2 તેમજ ઓડિશા અને દિલ્હીમાં 1-1 કેસ સામે આવ્યા છે. અહેવાલ મુજબ ડિસેમ્બરમાં દેશભરમાં નોંધાયેલા કુલ કોરોના કેસોમાંથી 179 કેસોમાં JN.1 વેરિયન્ટની પુષ્ટી થઈ હતી, જ્યારે નવેમ્બરમાં 17 કેસો નોંધાયા હતા.
દેશમાં કોરોનાના વધુ 636 કેસ
આરોગ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલા ડેટા મુજબ દેશમાં વધુ 636 કેસો અને 3 મોત નોંધાયા છે. સક્રિય કેસોની સંખ્યા વધીને 4394 પર પહોંચી ગઈ છે. મૃતકોમાં બે કેરળ અને એક તમિલનાડુનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું કે, ગત 5 ડિસેમ્બરે કોરોના કેસો ઘટી 2 આંકડામાં આવી ગયા હતા, જોકે નવા વેરિયન્સના કારણે ફરી કેસો વધ્યા છે.