Get The App

ફરી ચિંતા કરાવતો કોરોના : દેશમાં એક દિવસમાં 335 કેસ અને પાંચનાં મોત

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
ફરી ચિંતા કરાવતો કોરોના : દેશમાં એક દિવસમાં 335 કેસ અને પાંચનાં મોત 1 - image


- કોરોનાના નવા વેરિયન્ટના પગલે નવી ગાઇડલાઇન

- કેરળમાં ચારના અને ઉત્તરપ્રદેશમાં એકના મોતથી ત્યાંની સરકારોએ એલર્ટ જારી કર્યુ : નિયમો ચુસ્ત થશે

નવી દિલ્હી : દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-૧૯ના ચેપના નવા વેરિયન્ટ જેએન-૧ને કેરળમાં સમર્થન મળ્યા પછી સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩૫ કેસ નોંધાયા છે અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી પાંચના મોત થયા છે. 

બીજી બાજુએ ડબલ્યુએચઓ ભારત સહિત  કેટલાય દેશોમાં કોરોનાના વધતા કેસોથી ચિંતામાં છે. તેણે એડવાઇઝરી જારી કરતાં દેશોમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી હતી.

કોરોના વાઇરસનો નવો વેરિયન્જ જેએન-૧ મળી આવ્યા પછી કેન્દ્રએ તેના અંગે ચેતવણી જારી કરી છે. કેરળમાં તિરુવનન્તપુરમની ૭૯ વર્ષીય મહિલાના સેમ્પલમાં નવો વેરિયન્ટ જેએન-૧ મળી આવ્યો હતો. તમિલનાડુના તિરુચિરાપલ્લીની આ રહેવાસી સિંગાપોરનો ટ્રાવેલ હિસ્ટરી ધરાવે છે. કેન્દ્રની એડવાઇઝરીમાં જણાવાયું છે કે આગામી સીઝન તહેવારોની હોઈ જાહેર આરોગ્યના મોરચે પૂરતા પ્રમાણમાં પગલાં લેવા જરુરી છે અને રોગનું ઓછામાં ઓછું પ્રસરણ થાય તે પ્રકારની પરિવહન વ્યવસ્થા ગોઠવવી પણ જરુરી છે. તેની સાથે શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને પણ ઉચ્ચસ્તરે જાળવી રાખવી જરુરી છે. 

દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવાના શરૂ થઈ ગયા છે. કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટની જાણકારી મળ્યા પછી કેરળ સરકાર સક્રિય થઈ ગઈ છે. તેણે રાજ્યભરમાં એલર્ટ જાહેર કર્યુ છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાના વધતા કેસોથી ચિંતિત છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અપડેટ કર્યુ છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩૫ કેસ આવ્યા છે અને પાંચ મોત થયા છે. તેની સાથે કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૧,૭૦૧ થઈ ગઈ છે.

કોરોનાના લીધે કેરળમાં ચાર અને યુપીમાં એકનું મોત થયું છે. તેના લીધે બંને રાજ્યોની સરકાર ચોંકી ગઈ છે. આમ કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૫,૩૩,૩૧૬ના મોત થયા છે. જો કે કોરોનાના લીધે દેશમાં મૃત્યુદર ૧.૧૯ ટકા જ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રિકવરી દર ૯૮.૮૧ ટકા આંકવામાં આવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધી કોરોનાની રસીને ૨૨૦ કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. હુએ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે કોરોના પ્રભાવિત દેશોમાં સતત ટેસ્ટિંગ જારી રાખવા વિનંતી કરી છે.

હુના વૈશ્વિક સ્વાસ્થ્ય એકમના કોવિડ-૧૯ના ટેકનિકલ પ્રમુખ ડો. મારિયા વાન કોરખોવે એક વિડીયો પણ જારી કર્યો છે. તેમણે કોરોનાના કેસોની સંખ્યામાં વધારાનું કારણ સમજાવ્યું અને તેના માટે કઈ-કઈ સાવધાની દાખવવી તે પણ જણાવ્યું .નવા વેરિયન્ટે ચીન, અમેરિકા સહિત કેટલાય દેશોને ઝડપથી ચેપગ્રસ્ત કર્યા છે.


Google NewsGoogle News