કોરોનાને કારણે સરકારે જાહેર કરી નવી ગાઇડલાઈન, દેશમાં એક્ટિવ કેસમાં વધારો

WHO થી માંડીને કેન્દ્ર સરકારે પણ આ મામલે એલર્ટ જાહેર કરી દીધું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસ મળ્યા હતા

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
કોરોનાને કારણે સરકારે જાહેર કરી નવી ગાઇડલાઈન, દેશમાં એક્ટિવ કેસમાં વધારો 1 - image


Corona virus News | દેશમાં કોરોના વાયરસને ફરી ટેન્શન વધાર્યું છે. કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ના અત્યાર સુધી 21 દર્દી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે જેના લીધે કોરોના રિટર્નની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં ગુરુવારે 358 નવા દર્દી મળી આવ્યા હતા. અગાઉ બુધવારે 614 દર્દીઓ મળી આવતા ફરીવાર કોરોના ચર્ચાનો વિષય બની ગયો હતો. 

21 મે પછી આ સૌથી મોટો આંકડો 

માહિતી અનુસાર બુધવારે 614 દર્દી મળવાનો આંકડો 21 મે પછી સૌથી મોટો હતો. જેના પગલે WHO થી માંડીને કેન્દ્ર સરકારે પણ આ મામલે એલર્ટ જાહેર કરી દીધું હતું. હોસ્પિટલોમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. ભીડમાં માસ્ક પહેરવાની પણ અપીલ કરાઈ છે. કોરોનાના વેરિયન્ટ JN.1ની ટેસ્ટિંગ વધારવા સહિત જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું? 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસ મળ્યા હતા. આ સાથે દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 2,669 ને આંબી ગઈ છે.  JN.1 નો પ્રથમ દર્દી કેરળમાં મળી આવ્યો હતો. કેરળમાં છેલ્લાં 24 કલાકમાં 3 દર્દી પણ મૃત્યુ પામી ગયા જેની સાથે મૃતકોની સંખ્યા 5,33,327 પર પહોંચી ગઈ છે. 

આ રાજ્યોમાં મળ્યાં કેસ

તાજેતરના કેસ મુખ્યરૂપે કેરળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 4,44,70,576 થઈ ચૂકી છે. જ્યારે દેશનો રિકવરી રેટ 98.81 ટકા પર પહોંચી ગયો છે. દેશમાં કુલ દર્દીઓની સંખ્યા પણ 4.50 કરોડને આંબી ગઈ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં કોરોના વાયરસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દેશમાં વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું એનાલિસીસ કરી રહ્યા છે. તેમણે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા વેરિયન્ટની ટ્રેકિંગની સુવિધા માટે તમામ કોરોના કેસના સેમ્પલ INSACOG લેબમાં મોકલવાની સલાહ આપી હતી. આ સાથે રાજ્યોને જાગૃકતા ફેલાવવા, મહામારી મેનેજમેન્ટ કરવા અને તથ્યાત્મક રીતે યોગ્ય અને સાચી જાણકારી જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો. 

કોરોનાને કારણે સરકારે જાહેર કરી નવી ગાઇડલાઈન, દેશમાં એક્ટિવ કેસમાં વધારો 2 - image


Google NewsGoogle News