ધર્માંતરણ ન અટક્યું તો દેશમાં બહુમતી વસતી લઘુમતી બની જશે : અલ્લાહાબાદ હાઈકોર્ટ
ઉત્તર પ્રદેશની ઘટના મુદ્દે હાઈકોર્ટનું તારણ
બંધારણ સ્વેચ્છાએ ધર્મ બદલવાની મંજૂરી આપે છે, ધર્માંતરણ કરાવતા ધાર્મિક મેળાવડા તાત્કાલિક બંધ કરાવવા જોઈએ
પ્રયાગરાજ: દેશમાં વિવિધ મેળાવડા વખતે વધી રહેલા ધર્માંતરણ અંગે ચિંતા વ્યક્ત કરતા અલ્લાહાબાદ હાઈકોર્ટે ચેતવણી આપી કે, આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો બહુમતી વસતી એક દિવસ લઘુમતી બની જશે. ધર્માંતરણ કરાવતી ધાર્મિક સભાઓ તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવો જોઈએ. આવા આયોજનો બંધારણની કલમ ૨૫ મારફત અપાયેલા ધાર્મિક સ્વતંત્રતાના અધિકારથી વિરુદ્ધ છે.
અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધિશ રોહિત રંજન અગ્રવાલે જણાવ્યું કે, બંધારણની કલમ ૨૫ કોઈપણ વ્યક્તિને પોતાના ધર્મમાં વિશ્વાસ ધરાવવા, પૂજા કરવા અને પોતાના ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે. ધર્મ પ્રચારની સ્વતંત્રતા કોઈને ધર્મ પરિવર્તન કરાવવાની મંજૂરી નથી આપતી.
ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલે હિન્દુઓને ખ્રિસ્તી બનાવવાના આરોપી મૌદહા, હમીરપુરના કૈલાશની જામીન અરજી ફગાવી દીધી હતી. આ સમયે ન્યાયાધીશ અગ્રવાલે નિરિક્ષણ કર્યું હતું કે, ધર્માંતરણની આ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવે તો આ દેશમાં બહુમતી વસ્તી લઘુમતી બની જશે અને ધર્માંતરણ થતું હોય અને દેશના નાગરિકોનો ધર્મ બદલવામાં આવતો હોય તેવા પ્રકારના ધાર્મિક મેળાવડા તાત્કાલિક અસરથી અટકાવવા જોઈએ.
રામકલી પ્રજાપતિએ એફઆઈઆર નોંધાવી હતી કે, તેનો ભાઈ માનસિકરૂપે બીમાર હતો. તેને આરોપી એક સપ્તાહ માટે દિલ્હી લઈ ગયો હતો. પરિવારને કહ્યું કે સારવાર કરાવી ગામડે પાછો મોકલી દેશે. જોકે, તેનો ભાઈ પાછો આવ્યો નહીં. ભાઈ પાછો આવ્યો તો ગામના અન્ય લોકોને દિલ્હીમાં યોજાયેલા આયોજનમાં લઈ ગયો. ત્યાં તેમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવ્યું.
આરોપ છે કે ફરિયાદીના ભાઈને ધર્માંતરણ કરાવવા માટે રૂપિયા આપવામાં આવે છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણીમાં કહ્યું કે, દેશનું બંધારણ ધર્મ પ્રચારની છૂટ આપે છે. પરંતુ ધર્મ બદલાવવાની મંજૂરી કોઈને નથી અપાઈ. ફરીયાદી પર ગંભીર આરોપ છે. ગામના તમામ લોકોને ખ્રિસ્તી બનાવી દેવાયા છે. અલ્લાહાબાદ હાઈકોર્ટની દલીલો સાંભળ્યા પછી બંધારણ ટાંકીને કહ્યું કે બંધારણે કોઈને પણ સ્વેચ્છાએ ધર્મ પસંદ કરવાની આઝાદી આપી છે. પરંતુ બંધારણે કોઈને પણ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાની મંજૂરી નથી આપી.