દિલ્હીમાં રાહુલને મળેલા રેલવેના ડ્રાઇવરો અસલી કે નકલીને લઇને વિવાદ
- અમારી ક્રૂ લોબીના ડ્રાઇવર નહોતા, બહારના હોઇ શકે : ઉત્તર રેલવે
- રેલવે સ્ટેશન પર અન્ય ડિવિઝનના ડ્રાઇવરો પણ આરામ કરતા હોય છે, રાહુલ તેમને મળ્યા હતા : રેલવે યુનિયન
નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે હાથરસના પીડિતોને મળ્યા બાદ દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત દરમિયાન લોકો પાયલટોંને મળ્યા હતા અને તેમને પડી રહેલી મુશ્કેલી પર ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીની આ મુલાકાતને લઇને નવો વિવાદ સામે આવ્યો છે. ઉત્તર રેલવેનો દાવો છે કે રાહુલે જેમની મુલાકાત કરી તેઓ તેમની ક્રૂ લોબીના લોકો નથી, એવુ લાગે છે કે બહારના લોકો છે.
કોંગ્રેસના સાંસદ ઉત્તર પ્રદેશમાં હાથરસ ધક્કામુક્કીમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યા હતા, જે બાદ તેઓ દિલ્હી પરત ફર્યા ત્યારે રેલવે સ્ટેશને રેલવેના કાર્મચારીઓની મુલાકાત કરી હતી, રાહુલે તેની તસવીરો પણ જાહેર કરી હતી. આ મુલાકાતને લઇને ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ જે કથિત લોકો પાયલટોંની સાથે મુલાકાત કરી હતી તેઓ લોકો પાયલોટ નહીં પણ પ્રોફેશનલ એક્ટર હતા, જેમને રાહુલ ગાંધી ખુદ લઇ આવ્યા હતા. જ્યારે ઉત્તર રેલવેના સીપીઆરઓ દીપક કુમારે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી જે લોકો પાયલટોને મળ્યા હતા તે અમારી લોબી સાથે નથી જોડાયેલા, બહારના હોઇ શકે છે.
જોકે ઉત્તર રેલવેના પીઆરઓના રાહુલ ગાંધીના આ દાવા જુઠા હોવાનો દાવો ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ અસોસિએશનના દક્ષિણ ઝોનના પ્રમુખ આર કુમારસેને કર્યો હતો. આર કુમારસેને કહ્યું હતું કે રાહુલ ગાંધી માત્ર દિલ્હીના જ લોકો પાયલટોને નહોતા મળ્યા, તેઓ અલગ અલગ ડિવિઝનના લોકો પાયલટોને મળ્યા હતા. રાહુલ જે સ્થળે મુલાકાત માટે પહોંચ્યા હતા ત્યાં એક રનિંગ રૂમ છે, જેનો ઉપયોગ અન્ય ડિવિઝનમાંથી આવતા લોકો પાયલટો કરતા હોય છે. રાહુલ ગાંધી જુદા જુદા ડિવિઝનના લોકો પાયલટો અને અન્ય સ્ટાફને મળ્યા હતા.