વિવાદનું વિહંગાવલોકનઃ જામા મસ્જિદ કે ભદ્રકાળી મંદિર, તાજ મહેલ કે તેજોમહાલય, કુતુબ મિનાર કે વિષ્ણુ સ્તંભ...
- જૌનપુરની અટાલા મસ્જિદ, માલદાની અદીના મસ્જિદ, પાટણની જામી મસ્જિદ પણ વિવાદના ઘેરામાં
અમદાવાદ, તા. 16 મે 2022, સોમવાર
કાશીની જ્ઞાનવાપી મસ્જિદ ખાતે સર્વેનું કામ સમાપ્ત થઈ ગયું છે. જ્ઞાનવાપી મસ્જિદના મંદિર કનેક્શન બાદ સર્વેની માગણી કરવામાં આવી હતી અને કોર્ટની મંજૂરી બાદ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તે સિવાય દેશમાં તાજ મહેલ અને કુતુબ મિનાર મુદ્દે વિવાદ પણ ચર્ચામાં છે.
દેશમાં હાલ ઐતિહાસિક સાઈટ્સના ઈતિહાસ અને તેના નિર્માણ મામલે ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે. તાજ મહેલ અને કુતુબ મિનાર પણ આ વિવાદના શિકાર છે. ભારતની અનેક ઐતિહાસિક ધરોહરોની ઓળખ અને તેના અસ્તિત્વ પર હવે ધાર્મિક રાજકારણ ચાલી રહ્યું છે. આ વિવાદમાં હવે અનેક ઐતિહાસિક સ્મારકોનો ઉમેરો થઈ રહ્યો છે.
જ્ઞાનવાપી મસ્જિદ
જ્ઞાનવાપી વિવાદ મામલે સૌથી અગત્યનો તર્ક એ છે કે, તેના માટે એવું કહેવાય છે કે, મસ્જિદ બની તે પહેલા તે સ્થળે મંદિર હતું. ઔરંગઝેબે તે મંદિર ધ્વસ્ત કરીને તેના અવશેષોનો ઉપયોગ કરીને આ મસ્જિદનું નિર્માણ કરાવેલું. મુઘલ શાસક ઔરંગઝેબે વર્ષ 1664માં આ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાં શ્રૃંગાર ગૌરી મંદિર હોવાની વાત કહેવામાં આવે છે. તેના સર્વે ઉપરાંત દરરોજ પૂજન-દર્શનની માગણી કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિર અને મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ઘણાં લાંબા સમયથી ચાલી રહ્યો છે.
તાજ મહેલ
તાજ મહેલ વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવે છે પરંતુ તેના અસ્તિત્વ સાથે પણ વિવાદ સંકળાયેલો છે. અનેક પક્ષનું એવું માનવું છે કે, પહેલા ત્યાં શિવ મંદિર હતું. જોકે ઈતિહાસના અનેક પાનાઓમાં એવો ઉલ્લેખ છે કે, મુઘલ શાસક શાહજહાંએ પોતાની બેગમ મુમતાજની યાદમાં તે બનાવડાવ્યો હતો. કેટલાક ઈતિહાસકારોના માનવા પ્રમાણે તાજ મહેલ હકીકતમાં હિંદુ મંદિર હોવાના અનેક પુરાવાઓ છે. તેના માટે તાજ મહેલ પરની હિંદુ કળશ જેવી બનાવટ, ચંદ્રમા વગેરેને પણ તર્કનો હિસ્સો માનવામાં આવે છે.
કુતુબ મિનાર
હાલ કુતુબ મિનાર મુદ્દે પણ ચર્ચા વ્યાપી છે. તેના પરિસરમાં હનુમાન ચાલીસાના પઠન વગેરે બાદ વિવાદ વધ્યો છે. વિશ્વ હિંદુ પરિષદના કહેવા પ્રમાણે 27 મંદિરોને ધ્વસ્ત કર્યા બાદ તેમાંથી જે સામગ્રી મળી તેના વડે કુતુબ મિનારનું સર્જન થયું હતું. એવો દાવો પણ થઈ રહ્યો છે કે, તે પહેલા વિષ્ણુ સ્તંભ હતો. VHP દ્વારા એવી માગણી કરવામાં આવી રહી છે કે, સરકાર કુતુબ મિનાર પરિસરમાં પ્રાચીન મંદિરોનું પુનર્નિર્માણ કરે તથા ત્યાં હિંદુ અનુષ્ઠાન ફરી શરૂ કરવાની મંજૂરી આપે.
મથુરા ઈદગાહ વિવાદ
જ્ઞાનવાપી મસ્જિદ બાદ મથુરાની ઈદગાહ મસ્જિદ પણ ચર્ચામાં છે. હકીકતે જ્ઞાનવાપી બાદ મથુરાની ઈદગાહ મસ્જિદમાં પણ સર્વે અને વીડિયોગ્રાફી કરાવવાની માગણી થઈ રહી છે. આ શાહી ઈદગાહ શ્રી કૃષ્ણ જન્મભૂમીને અડીને આવેલી છે. એવું કહેવાય છે કે, મુઘલ શાસક ઔરંગઝેબે 1670માં મથુરા ખાતે શ્રી કૃષ્ણ જન્મ સ્થળને ધ્વસ્ત કરવાનું ફરમાન આપ્યું હતું અને તે મંદિર ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. હિંદુ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્યાં મંદિર હતું જેને ઔરંગઝેબે તોડાવીને મસ્જિદ બનાવી દીધેલું. હિંદુઓના માનવા પ્રમાણે જે જગ્યાએ ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે તે જ જગ્યાએ કંસની જેલ આવેલી હતી.
કમલ મૌલા મસ્જિદ
આ મસ્જિદ મધ્ય પ્રદેશના ધાર ખાતે આવેલી છે. હિંદુ પક્ષના કહેવા પ્રમાણે ત્યાં માતા સરસ્વતીનું પ્રાચીન મંદિર હતું જ્યારે મુસ્લિમ પક્ષ તેને મસ્જિદ માને છે. હાલ ASI દ્વારા તેની સંભાળ રાખવામાં આવે છે. બંને પક્ષ પાસે એટલા તર્ક છે કે, હિંદુ પક્ષ પાસે મંગળવારે અને વસંત પંચમીના રોજ ત્યાં પૂજા કરવાની મંજૂરી છે જ્યારે મુસ્લિમ પક્ષને ત્યાં શુક્રવારે નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવેલી છે.
બીજા મંડલ મસ્જિદ
મધ્ય પ્રદેશના વિદિશા ખાતે સ્થિત બીજા મંડલ મસ્જિદ પણ વિવાદમાં છે. એવું કહેવાય છે કે, વિદિશાની આ મસ્જિદ પર પહેલા મંદિર હતું અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવેલી. એ સમય દરમિયાન તે દેશના વિશાળ મંદિરો પૈકીનું એક ગણાતું હતું.
જામા મસ્જિદ
ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્થિત જામા મસ્જિદ મામલે હિંદુ પક્ષનો એવો દાવો છે કે, અમદાવાદમાં હાલ જે જામા મસ્જિદ છે તે પહેલા ભદ્રકાળી મંદિર હતું. એવું કહેવાય છે કે, 14મી શતાબ્દીમાં મુસ્લિમ આક્રમણખોર અહમદ શાહે માતાના મંદિરના શિખરને ધ્વસ્ત કર્યું હતું અને તેના સ્થાને મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.
અનેક જગ્યાઓ વિવાદમાં
આ જગ્યાઓ ઉપરાંત પણ અનેક સ્થળો વિવાદમાં છે. જૌનપુરની અટાલા મસ્જિદ, માલદાની અદીના મસ્જિદ, પાટણની જામી મસ્જિદ મુદ્દે પણ આ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે. હિંદુ પક્ષના કહેવા પ્રમાણે આ જગ્યાઓએ મંદિર હતા અને હવે મસ્જિદ છે. આ પૈકીના અનેક મુદ્દાઓ હાલ કોર્ટમાં ચાલી રહ્યા છે.