Get The App

દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ

Updated: Mar 22nd, 2025

GS TEAM


Google News
Google News
દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ 1 - image


- જજના ઘરે આગ ઠારવા ગયેલા ફાયર બ્રિગેડના કર્મીઓને કરોડો મળ્યાના અહેવાલ જોકે રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ નહીં

- જજ સામે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા આંતરિક તપાસ શરૂ, કોર્ટ કાર્યવાહી દરમિયાન વકીલોએ પણ મામલો ઉઠાવ્યો હતો

- હાઇકોર્ટ દ્વારા ચાલી રહેલી તપાસને જસ્ટિસ યશવંત વર્માની બદલી પ્રક્રિયા સાથે કઇ લેવાદેવા નથી : સુપ્રીમની કોલેજિયમ

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે આગ ઠારવા ગયેલા ફાયર ફાઇટર્સના કર્મીઓને એક રૂમમાંથી મોટી રોકડ રકમ મળ્યાના અહેવાલોથી ભારે વિવાદ થયો છે. આ ઘટના વચ્ચે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે તપાસ શરૂ કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે વિવાદો વચ્ચે એક સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ન્યાયાધીશ યશવંત વર્માની બદલી કરવા માટે પ્રસ્તાવ મળ્યો હતો, જે અંગે હજુસુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. તેમની સામે જે તપાસ ચાલી રહી છે તેને બદલીની પ્રક્રિયા સાથે જોડવામાં ના આવે. 

પ્રાપ્ત અહેવાલો અનુસાર ૧૪મી માર્ચે હોળીની ઉજવણી સમયે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી, આ ઘટના સમયે જસ્ટિસ વર્મા ઘર પર હાજર નહોતા, દરમિયાન તેમના પરિવારજનોએ તાત્કાલીક દિલ્હી ફાયર સર્વિસને જાણ કરી હતી, પરિણામે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ બન્ને સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. આગ ઠારવા ગયેલા ફાયર ફાઇટર્સના જવાનોને એક રૂમમાંથી રોકડા રૂપિયા મળ્યા હતા જે લાખોમાં હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ દરમિયાન સ્થળ પર પોલીસ પર પહોંચી હોવાથી તેનું વીડિયો રેકોર્ડિંગ કરાયું હોવાના પણ અહેવાલો છે. ન્યાયાધીશના ઘરેથી મોટી સંખ્યામાં રોકડા રૂપિયા મળ્યાના અહેવાલો સામે આવ્યા બાદ દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. કે. ઉપાધ્યાયનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. 

હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપાધ્યાયને વકીલોએ વિનંતી કરી હતી કે આ મામલો આઘાતજનક છે, તેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવી કોઇ ઘટના સામે ના આવે. જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે તમારી જેમ મને પણ આઘાત લાગ્યો છે. અમારી નજર સમગ્ર મામલા પર છે. બીજી તરફ અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે ન્યાયાધીશ વર્માના ઘરેથી રોકડ રકમ મળ્યા બાદ તેમની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં બદલી કરી નાખવામાં આવી છે. આ બદલીને રોકડા મળ્યાની ઘટના સાથે જોડાઇ રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે સ્પષ્ટતા કરી હતી અને કેટલાક નિવેદનો જાહેર કર્યા હતા. 

રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટની કોલેજિયમે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૦મી માર્ચે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની બેઠક યોજાય તે પહેલા દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ઇન-હાઉસ તપાસ કરી હતી, તેમના તપાસ રિપોર્ટને સુપ્રીમ કોર્ટની કોલેજિયમ સમક્ષ મુકવામાં આવશે જેના આધારે આગળની કાર્યવાહી કરાશે. ન્યાયાધીશ વર્માની બદલીના પ્રસ્તાવને અને દિલ્હી હાઇકોર્ટની તપાસને કઇ લેવાદેવા નથી. અફવાઓ ચાલી રહી છે, ન્યાયાધીશ વર્માના ટ્રાન્સફર પ્રસ્તાવ અંગે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા તેમની પાસેથી તેમજ દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અલ્લાહાબાદ  હાઇકોર્ટ પાસેથી જવાબ માગવામાં આવ્યો હતો, આ જવાબોની ચકાસણી કર્યા બાદ આગળનો ઠરાવ પસાર કરવામાં આવશે. બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઇને ફાયર બ્રિગેડનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં રોકડ રૂપિયા મળ્યાનો કોઇ ઉલ્લેખ નથી. દિલ્હી ફાયર સર્વિસના ચીફ અતુલ ગર્ગે કહ્યું હતું કે જજના ઘરે આગ ઠારવા દરમિયાન કોઇ રોકડ નથી મળી.

Tags :