રાહુલ ગાંધીએ સપ્તાહમાં ચાર વખત અકારણ ઐશ્વર્યાનું નામ લેતા વિવાદ
- રાહુલે મહિલાઓ, કર્ણાટકના લોકોનું અપમાન કર્યું : ભાજપ
- મીડિયામાં મોદીને જ બતાવાશે તો ક્યારેક ઐશ્વર્યા રાય નાચતી દેખાશે : રાહુલના નિવેદનની ઝાટકણી
નવી દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાષણોમાં એક સપ્તાહમાં ચાર વખત ઐશ્વર્યા રાય બચ્ચનના નામનો ઉલ્લેખ કર્યો હતો. અકારણ ઐશ્વર્યાને ટ્રોલ કરતાં રાહુલ ગાંધીની સોશિયલ મીડિયામાં ઝાટકણી નીકળી હતી. ભાજપે પણ રાહુલની ટીકા કરી હતી.
રાહુલ ગાંધીએ સપ્તાહમાં ચાર વખત ઐશ્વર્યા રાય બચ્ચન અને અમિતાભ બચ્ચનના નામનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાયું.
અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળ્યા. પરંતુ ક્યાંક સામાન્ય લોકો નજરે પડયા નહીં. પછાત વર્ગને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રાધાન્ય અપાયું નહીં.
રાહુલ ગાંધીએ આ નિવેદન વારંવાર આપવાનું ચાલુ રાખ્યું હતું. પ્રતાપગઢ જિલ્લામાં સંબોધન કરતા રાહુલે કહ્યું કે મીડિયામાં નરેન્દ્ર મોદીને જ બતાવાશે. ક્યારેક ઐશ્વર્ય રાય નાચતી દેખાશે તો ક્યારેક અમિતાભ બચ્ચન બલ્લે બલ્લે કરતા નીકળશે.
રાહુલના આ નિવેદનની લોકોએ ઝાટકણી કાઢી હતી અને તેને નીચલા સ્તરનું નિવેદન કહ્યું હતું. ઐશ્વર્યા રાય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહી ન હતી. એમાં અમિતાભ અને અભિષેક જ હાજર હતા. તેમ છતાં રાહુલ વારંવાર ઐશ્વર્યાને ટ્રોલ કરે છે તે મુદ્દે ટીકા થઈ હતી. ભાજપે તો રાહુલની ઝાટકણી કાઢતા કહ્યું કે ગાંધી પરિવારની સરખામણીમાં ઐશ્વર્યાએ ભારતને વધારે ગૌરવ અપાવ્યું છે. ઐશ્વર્યાને નિશાન બનાવીને રાહુલ કર્ણાટકના લોકોનું અપમાન કરે છે અને મહિલાઓનું પણ અપમાન કરે છે.