વડાપ્રધાને સીજેઆઈના ઘરે વિઘ્નહર્તાની આરતી ઉતારતા વિવાદ
- સીજેઆઈ-પીએમ મોદીની મુલાકાતથી લોકોના મનમાં શંકા પેદા થાય : વિપક્ષ
- વિપક્ષને પીએમ મોદી અને સીજેઆઈની મુલાકાતનો નહીં, પરંતુ ભગવાન ગણેશની પૂજાનો વાંધો : ભાજપના કોંગ્રેસ પર ચાબખા
- પૂર્વ પીએમ મનમોહનસિંહની ઈફ્તાર પાર્ટીમાં તત્કાલીન સીજેઆઈની મુલાકાતનો વિરોધ નહોતો થયો : ભાજપ
- દરેક સંસ્થાની સ્વતંત્રતા માત્ર સૈદ્ધાંતિક નથી હોતી, પરંતુ તે દેખાવી પણ જોઈએ : રાજદ નેતા મનોજ ઝા
નવી દિલ્હી : દેશભરમાં હાલ ગણેશોત્સવની ધૂમ મચી છે. સેંકડો લોકોની જેમ મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે પણ તેમના નિવાસે ગણપતિ બેસાડયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સીજેઆઈના ઘરે ગણેશ આરતી કરતાં આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિપક્ષે આ મુલાકાતની ટીકા કરતા કહ્યું તેનાથી અલગ સંદેશ જાય છે. આ મુદ્દે ભાજપે વિપક્ષ પર વળતો હુમલો કરતા કહ્યું કે, સીજેઆઈના ઘરે ગણેશ પૂજામાં હાજરી આપવી કોઈ પાપ નથી. કોંગ્રેસના સમયમાં અનેક સીજેઆઈ ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડના નવી દિલ્હી સ્થિત નિવાસ પર ભગવાન ગણપતિની પૂજા-આરતી કર્યા હતા. પીએમ મોદી સીજેઆઈના નિવાસે પહોંચતા ધનંજય ચંદ્રચૂડ અને તેમનાં પત્ની કલ્પના દાસે ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
પીએમ મોદીએ સીજેઆઈના નિવાસે તેમની સાથેની તસવીર પોસ્ટ કરતાંની સાથે જ સોશિયલ મીડિયા પર જાણે ભૂકંપ આવી ગયો હતો. શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, આ પ્રકારની મુલાકાતો શંકા પેદા કરે છે. તેમણે સૂચન કર્યું કે, મુખ્ય ન્યાયાધીશે શિવસેના (યુબીટી) અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના કેસમાંથી અલગ થઈ જવું જોઈએ. મુખ્ય ન્યાયાધીશ પાસે વડાપ્રધાન ગયા અને બંનેએ સાથે મળીને બાપ્પાની આરતી કરી. બંધારણના રખેવાળ આ રીતે રાજકીય નેતાઓને મળે તો લોકોના મનમાં શંકા જશે.
રાજદ નેતા અને રાજ્યસભામાં સાંસદ મનોજ ઝાએ કહ્યું કે, દરેક સંસ્થાની સ્વતંત્રતા માત્ર સૈદ્ધાંતિક નથી હતી, પરંતુ તે દેખાવી પણ જોઈએ. ગણપતિ પૂજા એક અંગત બાબત છે, પરંતુ તમે કેમેરો લઈને જઈ રહ્યા છો. તેનાથી જે સંદેશો જાય છે તે અસ્વસ્થ કરનારો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ અને વડાપ્રધાન મોટા વ્યક્તિત્વવાળા છે. તેથી તેઓ આ તસવીરો જાહેર કરવા માટે સહમત થયા હોય તો કોઈ શું કરી શકે. શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉત સહિત વિપક્ષે આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.
જોકે, ભાજપે આ વિવાદમાં વિપક્ષ પર વળતા હુમલા કર્યા હતા. લોકસભામાં સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ વિપક્ષની ઝાટકણી કાઢતા સવાલ કર્યો હતો કે શું ભૂતકાળમાં મુખ્ય ન્યાયાધીશે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા આયોજિત ઈફ્તાર પાર્ટીમાં હાજરી નહોતી આપી? હકીકતમાં તેમને વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશની મુલાકાત નહીં પરંતુ ગણપતિ પુજા સામે વાંધો છે. આ સાથે તેમણે વિપક્ષના નેતાઓ પર કોઈપણ મુદ્દાને રાજકીય રંગ આપવાનો આક્ષેપ કર્યો હતો. સંબિત પાત્રાએ કહ્યું કે, મને આશ્ચર્ય થાય છે કે વડાપ્રધાન મોદી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડને મળે તો તમે વાંધો ઉઠાવો છો પરંતુ રાહુલ ગાંધી અમેરિકામાં ભારત વિરોધી ઈલ્હાન ઓમરને મળે તેની સામે તેમને કોઈ વાંધો નથી. ભાજપ નેતા કૃપાશંકર સિંહે પીએમ મોદી દ્વારા મુખ્ય ન્યાયાધીશના ઘરે ગણેશ દર્શનને વિવાદનો મુદ્દો બનાવવો એક વિપક્ષનું મૂર્ખતાપૂર્ણ કામ છે. ગણપતિ બાપ્પા આવા લોકોને સદબુદ્ધિ આપે.
સીજેઆઈના ઘરે પીએમ મોદીની મુલાકાત આઘાતજનક : પ્રશાંત ભૂષણ
નવી દિલ્હી : મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસ સ્થાને એક અંગત મુલાકાત માટે આવવા દેવા એ ખૂબ જ આઘાતજનક છે તેમ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું. સીજેઆઈ ચંદ્રચુડના નિવાસે બુધવારે પીએમ મોદીએ ગણેશ પૂજામાં ભાગ લીધો અને ભગવાનની આરતી ઉતારી હતી. તેમની મુલાકાતનો વીડિયો અને તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ તસવીરના સંદર્ભમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું, પીએમ મોદીની સીજેઆઈ ચંદ્રચુડના નિવાસે અંગત મુલાકાત ન્યાયતંત્રને ખૂબ જ ખરાબ સંકેત મોકલે છે. કાર્યપાલિકા તરફથી નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની અને સરકાર બંધારણની મર્યાદામાં રહીને કામ કરે છે તેની ખાતરી કરવાની જવાબદારી ન્યાયતંત્રને સોંપવામાં આવી છે. તેથી જ કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે અંતર હોવું જોઈએ.