Get The App

કાવડ યાત્રાના માર્ગ પરની મસ્જિદો મઝારો સામે પડદા લગાવાતા વિવાદ

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
કાવડ યાત્રાના માર્ગ પરની મસ્જિદો મઝારો સામે પડદા લગાવાતા વિવાદ 1 - image


- કાવડ યાત્રાને ધ્યાનમાં રાખી મુઝફ્ફરનગરમાં એટીએસ કમાન્ડો તૈનાત 

- હરિદ્વારમાં લગાવાયેલા પડદાનો વિરોધ થતા હટાવવા પડયા, મુખ્યમંત્રીએ પણ ધાર્મિક સ્થળો ઢાંકવાની ટિકા કરી

હરિદ્વાર : કાવડ યાત્રા દરમિયાન ઉત્તર પ્રદેશના ઢાબા, ફૂડ સ્ટોલના માલિકોને પોતાનું અને સ્ટાફનું નામ લખવા ફરજ પાડવામાં આવી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. ત્યારે હવે ઉત્તરાખંડના હરિદ્વારમાં નવો વિવાદ સામે આવ્યો છે. હરિદ્વારમાં કાવડ યાત્રાના રૂટ પર મઝાર અને મસ્જિદો પર સફેદ પડદા લગાવવાનો આદેશ અપાયો હતો. આદેશને પગલે આ ધાર્મિક સ્થળોને ઢાંકી દેવાયા હતા. જોકે વિવાદ થતા બાદમાં આ આદેશને પરત લઇ લેવો પડયો હતો.   

હાલમાં હરિદ્વારમાંથી કાવડિયા પસાર થઇ રહ્યા છે, એવામાં અહીં જ્યાંથી પણ કાવડિયા પસાર થઇ રહ્યા છે ત્યાં વચ્ચે આવનારી મસ્જિદો અને મઝારોને ઢાંકવા આદેશ અપાયા હતા. આ આદેશને પગલે અનેક ધાર્મિક સ્થળોની આગળ વાંસ લગાવીને પડદા લગાવી દેવાયા હતા. ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજે દાવો કર્યો હતો કે કોઇ અસામાન્ય ઘટના ના બને અને શાંતિથી કાવડ યાત્રા પૂર્ણ થઇ જાય તે હેતુથી આ પડદા લગાવવામાં આવ્યા હતા. 

જોકે આ પડદાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને સરકારના આ પગલાની ભારે ટિકા થઇ હતી, બાદમાં આ આદેશને પરત લઇ લેવામાં આવ્યો હતો અને પડદાને પણ તાત્કાલીક હટાવી લેવામાં આવ્યા હતા. વિવાદ વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતે કહ્યું હતું કે આપણે ત્યાં મંદિરો, મસ્જિદો, ચર્ચ આવેલા છે. મસ્જિદો અને મઝારોને ઢાંકવાના આદેશનુ મુખ્યમંત્રીએ પણ બાદમાં ખંડન કર્યું હતું. 

કાવડ યાત્રાના રૂટ પર આવતી એક મઝાર સાથે સંકળાયેલા શકીલ અહેમદે કહ્યું હતું કે પ્રશાસને અમને કોઇ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર પડદા લગાવી દીધા હતા. ઇસ્લામનગરની મસ્જિદના હેડ અનવર અલીએ કહ્યું હતું કે આ પહેલા પડદા ક્યારેય નથી લગાવાયા, ગુરૂવારે પોલીસ આવી હતી અને કોઇ પણ દખલ ન દેવા અમને કહ્યું હતું. બાદમાં રાત્રે પડદા લગાવી દેવાયા હતા. બીજી તરફ કાવડ યાત્રાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ પોલીસે મુઝફ્ફરનગરમાં સુરક્ષા વધારી દેવાઇ છે, અહીંના શિવ ચોકમાંથી દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે વિસ્તારો તેમજ ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાંથી આવતા કાવડિયા પસાર થાય છે. આ વિસ્તારમાં હાલ એટીએસ (એન્ટિ ટેરેરિઝમ સ્કોડ)ના કમાન્ડો તૈનાત કરાયા છે, સાથે જ પોલીસ જવાનોને પણ તૈનાત કરાયા છે.  


Google NewsGoogle News