ભગવા વસ્ત્ર અને કપાળ પર તિલક, આંબેડકરના પોસ્ટર પર તમિલનાડુમાં વિવાદ
- ઈન્દુ મક્કલ કાચીના એક પદાધિકારી ગુરુમૂર્તિને પોલીસે કસ્ટડીમાં લીધા હતા
ચેન્નાઈ, 07 ડિસેમ્બર 2022, બુધવાર
6 ડિસેમ્બરે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ હતી. આ પ્રસંગે તમિલનાડુમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર તંજાવુરમાં ભગવા કપડા પહેરેલા બાબાસાહેબનું પોસ્ટર સામે આવ્યું હતું જેના પર વિવાદ વધુ ઘેરો બન્યો છે. પોસ્ટરની તસવીરમાં આંબેડકરના કપાળ પર તિલક લગાવેલું જોવા મળી રહ્યું છે.
હિંદુ તરફી સંગઠન અને દલિત જૂથ વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) પોસ્ટરને લઈને અથડામણ થઈ હતી. ત્યારબાદ ઈન્દુ મક્કલ કાચીના એક પદાધિકારી ગુરુમૂર્તિને પોલીસે કસ્ટડીમાં લીધા હતો.
આંબેડકરની ઓળખને લઈને બંને સંગઠનોના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા હતા. હિન્દુ જૂથે કહ્યું કે, આંબેડકર તમામ ભારતીયો માટે સમાન હતા. ઈન્દુ મક્કલ કચ્છીના સ્થાપક અર્જુન સંપતે કહ્યું કે, આંબેડકરને હિંદુ તરીકે દર્શાવવામાં કંઈ ખોટું નથી. તે કોઈ એક ધર્મ સુધી મર્યાદિત નથી. સંપતે કહ્યું કે બૌદ્ધ ધર્મ અપનાવતા પહેલા આંબેડકર ભગવા પ્રેમી હતા. જાગૃતિ લાવવા પોસ્ટરોમાં આંબેડકરનું ભગવાકરણ કરવામાં આવ્યું છે.
વિદુથલાઈ ચિરુથાઈગલ કચ્છી નેતા અને સાંસદ ટોલ્કપ્પિયન થિરુમાવલવને આંબેડકરના ભગવાકરણની નિંદા કરી અને કહ્યું કે, તેમણે હિંદુ ધર્મ છોડી દીધો હતો અને છેલ્લા શ્વાસ સુધી બ્રાહ્મણવાદી વર્ચસ્વનો વિરોધ કર્યો હતો.