મહારાષ્ટ્રમાં સરકાર બન્યા પછી પણ ખેંચતાણ! ભાજપે શિંદેને આપ્યા ત્રણ વિકલ્પ
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં સરકાર બન્યા પછી પણ મંત્રાલયોને લઈને ખેંચતાણ ચાલી રહી છે. મહાયુતિના ત્રણેય દળો પોતાની પાસે મહત્ત્વપૂર્ણ મંત્રાલયો રાખવા માગે છે. મીડિયા અહેવાલ મુજબ, એકનાથ શિંદેએ હજુ પણ ગૃહ મંત્રાલય મેળવવા માટે હઠ પકડી રાખી છે, ત્યારે અજિત પવાર પણ કોઈ પણ રીતે નાણા મંત્રાલય મેળવવા માગે છે. જોકે, ભાજપ આ બંને મંત્રાલય પોતાની પાસે રાખવા માગે છે. આ વચ્ચે સૂત્રો મુજબ ભાજપે એકનાથ શિંદેને ત્રણ વિકલ્પ આપ્યા છે. પરંતુ શિંદેએ અત્યાર સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ભાજપે આપ્યા ત્રણ વિકલ્પ
ભાજપે એકનાથ શિંદેને ગૃહ મંત્રાલય આપવાની ના પાડતા એકનાથ શિંદે ઇચ્છે છે કે તેમને નાણા મંત્રાલય મળી જાય. નાણા મંત્રાલયને પણ ગૃહ મંત્રાલય જેટલું જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, પાછલી ટર્મમાં આ વિભાગ અજિત પવાર પાસે હતો. માટે ફરી આ મંત્રાલય મેળવવા અજિત પવાર પણ ભાજપ પર દબાણ બનાવી રહ્યા છે. જે પછી ભાજપે એકનાથ શિંદેને ગૃહ મંત્રાલયના સ્થાને મહેસૂલ વિભાગ, જળ સંસાધન વિભાગ અને જાહેર બાબતોનું મંત્રાલય આમ કુલ ત્રણ વિકલ્પ આપ્યા છે. શિંદેએ આ ત્રણમાંથી કોઈ એક વિકલ્પ સ્વીકારવો પડશે.
આ પણ વાંચોઃ ભાજપે એકનાથ શિંદે વિના જ શપથવિધિની યોજના બનાવી હતી: સંજય રાઉતનો દાવો
મંત્રી પદને લઈને ચર્ચા શરુ
ભાજપના નેતાઓએ કહ્યું છે કે, 'મંત્રી પદને લઈને મહાયુતિમાં ચર્ચાનો દોર શરુ થઈ ગયો છે. મંત્રાલયની વહેંચણી અંગે પણ ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવાઈ જશે.' ત્યારે શિંદેના નજીકના સહયોગી ઉદય સામંતે કહ્યું કે, 'અમે ભાજપ પાસે ગૃહ મંત્રાલય માગ્યું હતું, માગવામાં શું ખોટું છે? નિર્ણય તો ચર્ચા પછી જ લેવાશે. અમે વાત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે. એકનાથ શિંદે ભાજપ સામે જરાય નારાજ નથી. શિવસેનાને શું મળશે આના પર અંતિમ નિર્ણય શિંદે જ લેશે. અમે તેમને સંપૂર્ણ સત્તા આપી છે. અમે ઇચ્છીએ છે કે શિંદેને તેમની ક્ષમતા અનુસાર મંત્રાલય મળે.'
છેલ્લી ઘડીએ કેવી રીતે માન્યા શિંદે
મીડિયા અહેવાલ મુજબ, શિંદેએ ભાજપ પાસેથી ગૃહ મંત્રાલયની સાથે શહેરી વિકાસ અને નાણા વિભાગની પણ માગ કરી હતી, પરંતુ ભાજપે તેમની માગ માનવાથી સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો હતો. આનાથી શિંદે નારાજ થઈ ગયા હતા અને છેલ્લી ઘડી સુધી મંત્રીમંડળમાં સામેલ થવાને લઈને સસ્પેન્સ બનાવી રાખ્યું હતું. જોકે, અંતિમ સમયે ફડણવીસે શિંદે સાથે મુલાકાત કરી તેમની નારાજગી દૂર કરી હતી.