Get The App

‘ગીતો ગાવાથી કે નાચવાથી...’ ડૉક્ટરોના દેખાવો અંગે TMC ના વધુ એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
TMC MLA Tapas Chaterjee



Kolkata Doctor Protest : કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યા ઘટના પર ડોક્ટરો હજુ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ધારાસભ્ય તપસ ચેટર્જીએ રવિવારે (15 સપ્ટેમ્બર) ડોક્ટરોના આંદોલન પર વિવાદિત ટિપ્પણી કરી છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. ચટર્જીએ કહ્યું હતું કે, 'માત્ર ગીતો ગાવાથી કે નાચવાથી આંદોલન સફળ બની શકતું નથી. એક સાચા આંદોલન માટે વધુ ગંભીર પ્રવૃત્તિઓ હોવી જોઈએ.

વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ

ટીએમસીના ધારાસભ્ય ચટર્જીએ એક બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી. તેમના આ નિવેદન અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, 'સંગીતની ધૂન પર તાળીઓ વગાડવાથી, ગીતો ગાવાથી અને નાચવાથી આંદોલન સફળ નહીં થશે.' 

નોંધનીય છે કે, કોલકાતા સ્થિત આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાની ઘટનાની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, આ પ્રદર્શનોમાં ડોક્ટરો નારેબાજી કરી, રસ્તા પર નાટક ભજવી, સામૂહિક ગીતો ગાઇ અને નાચીને વિરોધ કરી રહ્યા છે. આ આંદોલન હાલમાં ખૂબ ચર્ચામાં છે અને ડોક્ટરો છેલ્લા છ દિવસથી સોલ્ટ લેક વિસ્તારમાં સ્વાસ્થ્ય ભવન બહાર ધરણા આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ કોલકાતા કાંડમાં CBIનો કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ‘ઘટના પાછળ મોટું ષડયંત્ર, પોલીસ પર પણ શંકા’

ડોક્ટરોએ નિંદા કરી

વિરોધ કરી રહેલા ડોક્ટરોએ ચટર્જીના નિવેદનની નિંદા કરી છે. જુનિયર ડોક્ટર ફોરમના એક અધિકારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'અમે પીડિતાને ન્યાય અપાવવા માટે આંદોલન કરી રહ્યા છીએ અને સામાન્ય લોકોનો સમર્થન મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. અમારો આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી અમારી માગણીઓ પૂરી નહીં થાય. અમારા આંદોલનને હળવાશથી ન લેવું જોઇએ."

અગાઉ ટીએમસી સાંસદે કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી

નોંધનીય છે કે, આ પહેલાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજીએ 13 સપ્ટેમ્બરના રોજ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સાંસદે પ્રદર્શનકારી જૂનિયર ડોક્ટરોને ધમકી આપતા કહ્યું હતું કે, 'આ પ્રદર્શનકારીઓ ડોક્ટર બનવા યોગ્ય નથી. ડોક્ટરો ક્યારેય દર્દીઓનો જીવ જોખમમાં ન મૂકે. આ જૂનિયર ડોક્ટરોને સરકાર પરીક્ષા આપવા નહીં દે.' તેમના આ નિવેદનથી ભારે હોબાળો થયો હતો. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં પ્રદર્શન કરી રહેલાં જૂનિયર ડોક્ટરોની છેલ્લી પરીક્ષા હજુ બાકી છે.

આ પણ વાંચોઃ ‘એક દેશ, એક ચૂંટણી’ અંગે સામે આવ્યું મોટું અપડેટ, જાણો મોદી સરકાર કોના સમર્થનથી ક્યારે કરશે લાગુ

મમતા બેનરજી પર ભાજપના પ્રહાર

કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદારે જુનિયર ડોક્ટરો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાત પર ટિપ્પણી કરતા જણાવ્યું કે, "અમારા મુખ્યમંત્રી ઇચ્છતા નથી કે ડોક્ટરો સાથેની સમસ્યા ઉકેલાય. જુનિયર ડોક્ટરોએ પોતાની 5 માગણીઓ રાખી છે, જેના પર મમતા બેનરજી કંઈક કાર્યવાહી કરવી જ પડશે. ઓછામાં ઓછી તેઓ એક માગણીને તો પૂરી કરે, જેથી આ વાર્તાલાપ સફળ અને સાર્થક સાબિત થાય."


Google NewsGoogle News