'મેં ધર્મ નહીં પણ પછાત હોવાના આધારે ભલામણ કરી..' મુસ્લિમોને અનામત અંગે વિવાદ થતાં લાલુની ગુલાંટ
Lok Sabha Elections 2024 | રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના આગેવાન લાલુપ્રસાદ યાદવે જણાવ્યું છે કે તેઓ મુસ્લિમોને અનામત આપવાની તરફેણ કરે છે. તેમણે આરોપ મૂક્યો હતો કે ભાજપ બંધારણમાંથી અનામત જ પડતું મૂકવા માંગે છે. ભાજપ હંમેશા બંધારણમાં અનામતની વિરોધી રહી છે. આ અંગે વિવાદ થતા લાલુએ જણાવ્યું હતું કે આ અનામત પછાતપણાના આધારે હોવી જોઈએ, ધર્મના આધારે નહીં.
તેની સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે આરોપોને ફગાવી દીધા હતા કે ઇન્ડી બ્લોક એસસી, એસટી અને ઓબીસીના ક્વોટામાંથી અનામતના કાપ મૂકીને તેમાથી મુસ્લિમોને આપવા માંગે છે.
લાલુએ જણાવ્યું હતું કે હું એકમાત્ર વ્યક્તિ છું જેણે મંડલ પંચની ભલામણો લાગુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અનામત સામાજિક પછાતપણાના આધારે અપાય છે, ધર્મના આધારે નહીં.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ જૂઠાણા અને નફરતને નકારી કાઢીને ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકના સભ્યો બંધારણ અને લોકશાહી અંગે પ્રતિબદ્ધ છે.
જ્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે સત્તા પર આવીશું તે અગ્નિવીર યોજના પડતી મૂકીશુ, જીએસટી સુધારીશું અને આદિવાસીઓ માટે ધાર્મિક સંહિતા અમલી બનાવીશું. તેમણે જણાવ્યું હતું કે અગ્નિવીર યોજના લશ્કર લાવ્યું નથી પરંતુ પીએમ મોદી લાવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે મોદીએ દસ વર્ષમાં ફક્ત ૨૨ કરોડપતિ બનાવ્યા છે, જ્યારે ઇન્ડિયા બ્લોક કરોડો લોકોને લખપતિ બનાવશે.