કાલી માતા પર વિવાદિત નિવેદનઃ હવે મહુઆએ પણ પોતાની જ પાર્ટીના ટ્વિટર એકાઉન્ટને અનફોલો કર્યુ
નવી દિલ્હી,તા.6 જુલાઈ 2022,બુધવાર
કાલીમાતાના પોસ્ટર પર તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ પશ્ચિમ બંગાળમાં ભારે આક્રોશ છે.
પહેલી વખત એવુ બન્યુ છે કે, ટીએમસીએ મહુઆના નિવેદનની ટીકા કરી છે અને આ નિવેદનથી છેડો ફાડી નાંખ્યો છે. તો બીજી તરફ હવે પોતાની પાર્ટીન વલણથી નારાજ સાંસદ મહુઆએ ટીએમસીના ટ્વિટર હેન્ડલને અનફોલો કરી દીધુ છે.
આમ ટીએમસી અને મહુઆ વચ્ચેનો વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના પોસ્ટરમાં કાલી માતાને સિગારેટ પીતા બતાવનાર ફિલ્મ મેકર લીના મણિમેકલાઈ સામે દેશભરમાં ભારે આક્રોશ છે અને લોકો આ પ્રકારની હરકત સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મહુઆએ આ પોસ્ટરને સમર્થન આપીને એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, મારા માટે કાલી માતા માસ ખાનારા અને દારૂ પીનારા દેવીના સ્વરુપમાં છે. દેવી કાલીના ઘણા સ્વરુપો છે. તમે ભગવાનને કેવી રીતે જુઓ છો તે તમારા પર આધાર રાખે છે. જો તમે ભુટાન અને સિક્કિમ જાવ તો ત્યાં પૂજામાં ભગવાનને દારૂ ચઢાવવામાં આવે છે અને જો તમે યુપીમાં કોઈને દારુનો પ્રસાદ આપો તો તેની ધાર્મિક લાગણી ઘવાઈ શકે છે.
જોકે આ મામલે વધેલા વિવાદ બાદ સાંસદે કહ્યુ હતુ કે, આરએસએસના લોકોનુ જુઠ્ઠાણુ તમને વધારે સારા હિન્દુ સાબિત નહીં કરી શકે. મેં ક્યારેય કોઈ પોસ્ટર કે ફિલ્મનુ સમર્થન કર્યુ નથી. તમે તારા પીઠમાં મા કાલી પાસે જાવ અને જુઓ કે તેમને પ્રસાદમાં શું ધરાવવામાં આવે છે.