Get The App

‘સૌથી સુંદર દેખાતી યુવતીઓ...’ NCPના ધારાસભ્યએ ખેડૂતોનો ઉલ્લેખ કરી કર્યું વિવાદાસ્પદ નિવેદન

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
MLA Devendra Bhuyar


MLA Devendra Bhuyar Controversial Statement : મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના NCPના ધારાસભ્યએ ખેડૂતોનો ઉલ્લેખ કરીને નિવેદન કરતા વિવાદ ઉભો કર્યો છે. ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું કે, 'ખેડૂતના પુત્રને નીચા સ્તરની યુવતી સાથે સંતોષ માનવો પડે છે, કારણ કે સૌથી સુંદર યુવતીઓ એવા પુરુષ સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે જેની પાસે કાયમી નોકરી અથવા વ્યવસાય હોય.'

દેવેન્દ્રએ શું કહ્યું?

વરુડ-મોર્શીના અપક્ષ ધારાસભ્ય અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના સમર્થક દેવેન્દ્ર ભુયાર મંગળવારે જિલ્લાના વરુડ તાલુકામાં એક બેઠકમાં ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા હતા. તેણે કહ્યું કે, 'જો કોઈ યુવતી સુંદર હશે, તો મારા અને તમારા જેવા પુરુષને પસંદ કરશે નહીં, તે નોકરીવાળા પુરુષને પસંદ કરશે. બીજા નંબરે આવતી યુવતી જે થોડી ઓછી સુંદર છે તો તે કરિયાણાની દુકાન અથવા પાનની દુકાન ચલાવતી વ્યક્તિને પસંદ કરે છે. જ્યારે ત્રીજા નંબર પર આવતી યુવતી ખેડૂતના છોકરા સાથે લગ્ન કરવાનું પસંદ કરશે. સૌથી નીચા સ્તરની યુવતીઓ જ ખેડૂત પરિવારના છોકરા સાથે લગ્ન કરે છે અને તેમના લગ્ન પછી પેદા થતા બાળકો પણ સુંદર હોત નથી.'

આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમાજ તમને પાઠ ભણાવશે

કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતિ ઠાકુરે મહિલાઓ વિશેની વાતો કરતી વખતે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવાને લઈને ભુયારની ટીકા કરતા કહ્યું કે, 'અજિત પવાર અને સત્તામાં બેઠેલા લોકોએ પોતાના ધારાસભ્યને કાબુમાં રાખવા જોઈએ. મહિલાઓનું આ પ્રકારનું વર્ગીકરણ કોઈ સહન કરશે નહીં. આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમાજ તમને પાઠ ભણાવશે. '

આ પણ વાંચો : ભારતની ચલણી નોટ પર મહાત્મા ગાંધી પહેલા કોની તસવીર છપાતી હતી, જાણો ઈતિહાસ

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક

મહારાષ્ટ્રમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ તેમના મતદારોને રીઝવવા માટે અલગ-અલગ નિવેદનો કરી રહ્યા છે. જ્યારે રાજ્યમાં મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, શિવસેના શિંદે જૂથ, એનસીપી અજીત અને મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ જૂથ, એનસીપી શરદ જૂથ વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં સખત ટક્કર જોવા મળશે.


Google NewsGoogle News