કાશ્મીરમાં બરફ વર્ષા અને ઠંડીમાં થઇ રહેલો સતત ઘટાડો ચિંતાજનક
- કાશ્મીરમાં દિવસનું તાપમાન સામાન્યથી 6 ડિગ્રી વધારે
- વરસાદ અને બરફ વર્ષાનું પ્રમાણ ઘટતા રાજ્યના જળાશયોમાં પાણીનું સ્તર પણ ઓછું થયું
શ્રીનગર : ધરતીનું સ્વર્ગ ગણાતુ કાશ્મીર હવામાનમાં મોટા પાયે ફેરફારને કારણે પોતાની ચમક ગુમાવી રહ્યું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર જાન્યુઆરીમાં વરસાદમાં ઘટાડો જોવા મળ્યો અને કાશ્મીરમાં દિવસનું તાપમાન સામાન્યથી ૬ ડિગ્રી વધારે નોંધવામાં આવ્યું હતું.
કાશ્મીર ખીણમાં શિયાળુ ઋતુ હંમેશા બરફ આચ્છાદિત પર્વત શૃંખલાઓને જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ અને ચિલ્લાઇ કલાં દરમિયાન શૂન્યથી નીચે તાપમાન માટે હોય છે.
જો કે આ વખતે જાન્યુઆરીમાં ખૂબ જ ઓછી બરફ વર્ષા થઇ છે. આઇએમડી વિભાગના જણાવ્યા અનુસાર વર્ષામાં ૭૫ ટકા ઘટાડો અને દિવસના તપામાનમાં ૬ ડિગ્રીનો વધારો ભવિષ્ય માટે ખતરો છે.
આઇએમડી કાશ્મીરના નિર્દેશક મુખ્તાર અહેમદના જણાવ્યા અનુસાર આપણા પ્રદેશમાં ઠંડીની સિઝન ડિસેમ્બરમાં શરૂ થાય છે. બરફ વર્ષામાં ઘટાડાની અસર અર્થતંત્ર ઉપર પણ પડશે કારણકે રાજ્યની સમગ્ર અર્થવ્યવસ્થા બરફ પર નિર્ધારિત છે.
તેની અસર ગ્લેશિયર રિચાર્જ, ભૂજળ રિચાર્જ, કૃષિ પર પડશે. ઘરેલુ જળ માટે પણ બરફનું હોવું ખૂબ જ જરૂરી છે. દિવસમાં તાપમાન સામાન્યથી ૬ થી ૮ ડિગ્રી વધારે હતુ અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.
બરફ વર્ષાનું પ્રમાણ ઘટવાને કારણે ઝેલમ નદી સહિત અનેક જળાશયોના જળ સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે.