કેન્દ્રની 24 સંસદીય સમિતિઓની રચના : રાહુલ ગાંધીનો સંરક્ષણની પેનલમાં સમાવેશ
- નિશિકાંત દુબે આઈટી સમિતિના અધ્યક્ષ, કંગના રનૌત સભ્ય
- કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ, અરૂણ ગોવિલનો સભ્ય તરીકે સમિતિમાં સમાવેશ કરાયો
નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે ૨૪ સંસદીય સમિતિઓની રચના કરી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવાયા છે જ્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને વિદેશી બાબતોની સમિતિનું અધ્યક્ષપદ સોંપાયું છે. સપા નેતા રામગોપાલ યાદવને સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. આ સિવાય ભાજપ સાંસદ રાધા મોહન સિંહ સંરક્ષણ બાબતોની સમિતિના અધ્યક્ષપદે નિમાયા છે.
કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિઓમાં સોનિયા ગાંધીને કોઈપણ સમિતિમાં સ્થાન અપાયું નથી. ભાજપ નેતા રાધામોહન દાસ અગ્રવાલ ગૃહ બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. નાણાં બાબતોની સમિતિનું સુકાન ભાજપ સાંસદ ભર્તુહરી મહતાબને મળ્યું છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને મહિલા, શિક્ષણ, યુવા અને રમત બાબતોની સંસદીય સમિતિની કમાન સોંપવામાં આવી છે.
ભાજપ સાંસદ નિશિકાંત દુબે સંચાર અને આઈટી સમિતિના અધ્યક્ષ બનાવાયા છે જ્યારે કંગના રનૌતને આ સમિતિમાં સભ્ય બનાવાઈ છે. રામાયણ સિરિયલમાં રામની ભૂમિકા ભજવનારા અરૂણ ગોવિલ વિદેશી બાબતોની સમિતિના સભ્ય બનાવાયા છે. ભાજપ નેતા રમેશ રેલ બાબતોની સમિતિના અધ્યક્ષ નિયુક્ત થયા છે.
આ સમિતિઓ લોકસભા અધ્યક્ષના નિર્દેશ પર કામ કરે છે અને તેમના રિપોર્ટ સંસદ અથવા અધ્યક્ષને સોંપે છે. સંસદમાં ત્રણ પ્રકારની સમિતિ હોય છે, જેમાં સ્થાયી સમિતિ, નાણાકીય સમિતિ, વિભાગોથી સંબંધિત સમિતિ એ અન્ય પ્રકારની સ્થાયી સમિતિઓ હોય છે. સરકાર દ્વારા ગૃહ, ઉદ્યોગ, કૃષિ, સંરક્ષણ, વિદેશી બાબતો, રેલવે, શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ જેવા વિભાગોની સમિતિઓ હોય છે.
દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે શુક્રવારે વિજ્ઞાાન, ટેક્નોલોજી, પર્યાવરણ, વન્ય અને ક્લાઈમેટ ચેન્જની સ્થાયી સમિતિના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. રમેશ સપ્ટેમ્બર ૨૦૧૯થી જૂન ૨૦૨૨ અને સપ્ટેમ્બર ૨૦૨૨થી જૂન ૨૦૨૪ સુધી આ સમિતિના અધ્યક્ષ રહ્યા હતા. હવે તેમનો કાર્યકાળ પૂરો થયો છે. તેમની જગ્યાએ ભાજપ નેતા ભુવનેશ્વર કલિટા આ સમિતિના અધ્યક્ષ બનશે.