જમ્મુ-કાશ્મીરમાં 175 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, હથિયારોનો ખડકલો પણ જપ્ત કરાયો
- પાકિસ્તાની સૈન્યનો એલઓસી પર સતત ત્રીજા દિવસે ગોળીબાર
- જમ્મુ-કાશ્મીરમાં વધુ ચાર સહિત બે દિવસમાં સાત આતંકીઓના ઘર ઉડાવી દેવાયા, કુપવારામાં હથિયારોનો મોટો જથ્થો પકડાયો
- સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય 14 આતંકીઓની યાદી તૈયાર કરી છે અને તેમને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે
Jammu and Kashmir News ; જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આવા સમયે પાકિસ્તાની સૈન્યે સતત ત્રીજા દિવસે એલઓસી પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો. બીજીબાજુ પહલગામ હુમલા પછી જમ્મુ-કાશ્મીરમાં જોખમ હજુ ઘટયું નથી. ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસન સ્થળો પર વધુ એક હુમલાનું આતંકીઓનું કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી છે. આવા સમયે સુરક્ષા દળોએ વધુ ચાર આતંકીના ઘર તોડી પાડયા હતા અને 175 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરી હતી.
પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાની સૈન્યે કોઈપણ ઉશ્કેરણી વિના વાસ્તવિક અંકુશ રેખા (એલઓસી) પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, જે શનિવારે પણ ચાલુ રાખ્યો હતો. સામે છેડે ભારતીય સૈન્યે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાની આર્મીએ સમગ્ર કાશ્મીરમાં અંકુશ રેખા પર વિવિધ જગ્યાઓ પરથી નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ જાનહાની નથી થઈ કે કોઈને ઈજા પહોંચી નથી તેમ સૂત્રોએ કહ્યું હતું.
પહલગામ હુમલા પછી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો એલર્ટ પર થઈ ગયા છે, છતાં જમ્મુ-કાશ્મીરના પ્રવાસન સ્થળો પર આતંકીઓ વધુ હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાનું ગુપ્તચર અહેવાલોમાં જણાવાયું છે. ગુપ્તચર એજન્સીઓ મુજબ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોયબાનું ખતરનાક મોડયુલ કાશ્મીરમાં ફરી આતંકી હુમલા કરવાની તૈયારીમાં છે. આ વખતે પણ ટાર્ગેટ કિલિંગ સાથે મોટા આતંકી હુમલાની આશંકા છે. આ આતંકીઓના નિશાના પર દક્ષિણ કાશ્મીરના પ્રવાસન સ્થળો છે, જેને પગલે સમગ્ર કેન્દ્ર-શાસિત પ્રદેશમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે વ્યાપક સ્તર પર સર્ચ ઓપરેશન અને ધરપકડ અભિયાન હાથ ધર્યું છે. સુરક્ષા દળો હાલ દિવસ-રાત આ અભિયાન ચલાવી રહ્યા છે. આતંકીઓને મદદ કરનારા લોકોની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ એકલા અનંતનાગમાં જ ૧૭૫ શકમંદ આતંકીઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે. અનંતનાગ પોલીસે કહ્યું કે કોઈ પણ સંભવિત આતંકી નેટવર્કને તોડી પાડવા માટે અને જિલ્લાને સુરક્ષિત કરવા માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે. અનંતનાગ પોલીસે લોકોને પણ શકમંદો અથવા શકમંદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરી છે.
બીજીબાજુ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય 14 આતંકીઓની યાદી તૈયાર કરી છે અને તેમને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ આતંકીઓ પાકિસ્તાન સ્થિ લશ્કર-એ-તોયબાના વિદેશી આતંકીઓનું નેટવર્ક મજબૂત બનાવે છે તથા સ્થાનિક સ્તર પર અનેક પ્રકારની સહાય કરે છે. તેમને આશરો આપે છે. આ નેટવર્કને શક્ય એટલા વહેલા તોડી પડાશે.
સુરક્ષા દળોએ શનિવારે વધુ ચાર આતંકીઓના ધર તોડી પાડયા હતા. આ સાથે બે દિવસમાં કુલ સાત આતંકીઓના ઘર આઈઈડીથી ઉડાવી દેવાયા છે અથવા બુલડોઝરથી તોડી પડાયા છે. આ સિવાય સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશનમાં શનિવારે આતંકીઓન છુપાવાના એક સ્થળનો ભંડાફોડ કરી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. ઉત્તરીય કાશ્મીરના મુશ્તાકાબાદ માછિલના જંગલોમાંથી સુરક્ષા દળોએ પાંચ એકે-૪૭ રાઈફલ, ૮ એકે-૪૭ મેગેઝીન, એક પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝીન, એકે-૪૭ દારૂગોળાના ૬૬૦ રાઉન્ડ, એક પિસ્તોલ રાઉન્ડ અને એમ-૪ દારૂગોળાના ૫૦ રાઉન્ડ જપ્ત કર્યા છે.