અમિત શાહના પ્રવાસ પહેલા કાશ્મીરમાં આતંકવાંદીઓનું ષડયંત્ર, 8 કલાકમાં 2 બ્લાસ્ટ
- પુંચ જિલ્લામાં એક મહિલા IED સાથે ઝડપાઈ
નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 ઓક્ટોબરના રોજ જમ્મુ-કાશ્મીરમાં 3 દિવસના પ્રવાસ જઈ રહ્યા છે. આ દરમિયાન અમિત શાહ માતા વૈષ્ણોદેવીના દર્શનની સાથે-સાથે સરહદી જિલ્લો રાજૌરીમાં એક મોટી રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ કાશ્મીરના બારામુલામાં પણ રેલી કરશે. જોકે,અમિત શાહની કાશ્મીર મુલાકાત પહેલા જ ઘાટીમાં અશાંતિ ફેલાવવા આતંકવાદી કાવતરાં શરૂ થઈ ગયા છે. અમિત શાહની મુલાકાત પહેલા ઉધમપુરમાં માત્ર 8 કલાકમાં બે બ્લાસ્ટ અને પૂંચમાં IED સાથે એક મહિલાની ધરપકડ એ દર્શાવે છે કે પાકિસ્તાન કેટલું બોખલાયું છે અને આતંકવાદી સંગઠનો પણ કેટલા બોખલાયા છે.
ઉધમપુરમાં 8 કલાકમાં 2 બ્લાસ્ટ
ઉધમપુરમાં બસ સ્ટેન્ડ નજીક ઊભી બસમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે લોકો ઘાયલ થઈ ગયા હતા. હવે પોલીસ અને એજન્સીઓ આ બ્લાસ્ટનું રહસ્ય ઉકેલી શકે ત્યાં સુધીમાં ગુરુવારે વહેલી સવારે બીજી બસમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. માત્ર 8 કલાકની અંદર જ ઉધમપુરમાં બે બ્લાસ્ટ થયા છે. આઈજી જમ્મુ ઝોન મુકેશ સિંહના જણાવ્યા પ્રમાણે બંને એક જ પ્રકારના બ્લાસ્ટ છે જે બસની અંદર થયા છે. એક બ્લાસ્ટ રાત્રે થયો હતો અને બીજો સવારે થયો હતો. અમે દરેક પાસાની તપાસ કરી રહ્યા છે. તે સ્ટીકી બોંબ પણ હોઈ શકે છે. સેનાની ટીમ પણ આવી છે અને અમે તેની સાથે પણ વિચાર વિમર્શ કરી રહ્યા છીએ. આ મામલે અમારી પાસે કેટલીક લીડ છે તેના પર કામ ચાલું છે.
પુંચમાં IED સાથે મહિલાની ધરપકડ
પુંચ જિલ્લામાં એક મહિલા IED સાથે ઝડપાઈ હતી. તેનું નામ જતૂન અખ્તર છે. સુરક્ષા એજન્સીઓ તેની પણ પૂછપરછ કરી રહી છે. ઉધમપુરમાં બ્લાસ્ટ અને મહિલા વિસ્ફોટકો સાથે ઝડપાઈ છે આ બંને બાબતો સુરક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, ગૃહમંત્રી અમિત શાહ રાજૌરી આવી રહ્યા છે તેની મુલાકાત પહેલા આ ઘટનાઓ બનવી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ માટે પણ એક એલર્ટ છે.
અમિત શાહની રાજૌરી મુલાકાત શા માટે મહત્વપૂર્ણ છે
ગૃહમંત્રી અમિત શાહની રાજૌરી મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે, છેલ્લા ઘણા વર્ષોથી રાજૌરી અને પુંચ બંને જિલ્લામાં પહાડીનો દરજ્જો આપવાની માંગને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. ઘણા લોકોને એસટીનો દરજ્જો મળ્યો છે પરંતુ હજારો લોકો હવે આ વિસ્તારને પહાડીનો દરજ્જો મેળવવા માટે આ મુલાકાત પર આશા લગાવીને બેઠા છે.
પીએમ મોદીની મુલાકાત પહેલા પણ એક ષડયંત્ર રચાયું હતું
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન દ્વારા દરેક વખતે ઘાટીને અશાંત કરવાનો પ્રયત્ન થતો રહે છે. જમ્મુ-કાશ્મીરમાં જ્યારે પણ કોઈ મોટો રાજકીય પ્રવાસ થાય છે ત્યારે તેના પહેલા આવા જ નાપાક ષડયંત્રો થાય છે. આ અગાઉ પીએમ મોદીની મુલાકાત પહેલા પણ જમ્મુમાં એન્કાઉન્ટર થયું હતું જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. એટલું જ નહીં પીએમ મોદીની રેલીના સ્થળથી ત્રણ કિલોમીટર દૂર IED બ્લાસ્ટ પણ થયો હતો.