સેંગોલની પરંપરાને સજીવન કરનાર ગાંધીજીના એ સહયોગી કોણ હતા? પહેલા મિત્ર બન્યા, પછી બન્યા નેહરુના પ્રખર વિરોધી
સેંગોલ ફરી સમાચારમાં છે. વિપક્ષનું કહેવું છે કે તે લોકશાહી નહીં, રાજાશાહીનું પ્રતીક છે. જોકે, હકીકત એ છે કે, 76 વર્ષ અગાઉ સેંગોલ જ ભારતની આઝાદીનું પ્રતીક બન્યો હતો. અંગ્રેજોએ ભારતમાં સત્તા સ્થાનાંતરિત કરી હતી ત્યારે પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સેંગોલ આપવામાં આવ્યો હતો. સદીઓ અગાઉ લુપ્ત થઈ ગયેલી એ પ્રથાને ફરી જીવંત કરવામાં જેમનું યોગદાન હતું એ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી. આઝાદી સમયે રાજગોપાલાચારીએ જ નેહરુ અને છેલ્લા વાઈસરોય માઉન્ટબેટનને સલાહ આપી હતી કે 14 ઓગસ્ટ 1947ના રોજ સત્તા સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે એ પરંપરાના પ્રતીક તરીકે સેંગોલનો ઉપયોગ કરવામાં આવે.
કોણ હતા રાજગોપાલાચારી?
સી. રાજગોપાલાચારીનો જન્મ 10 ડિસેમ્બર 1972ના રોજ તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં થયો હતો. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા. તેઓ મહાત્મા ગાંધીના મિત્ર, પ્રશંસક અને વેવાઈ હતા, નેહરુ સાથે પણ એમને મિત્રતા હતી, પરંતુ મૂલ્યોની વાત આવી ત્યારે રાજગોપાલાચારી ગાંધી અને નહેરુ જેવા દિગ્ગજોના વિરોધમાં પણ ઊભા રહ્યા હતા. તેમને રાજકારણમાં લાવવાનો શ્રેય ગાંધીજીને જાય છે.
ગાંધીજી તેમને રાજકારણમાં લાવ્યા હતા
રાજાજીના હુલામણા નામે ઓળખાતા રાજગોપાલાચારી વકીલ, લેખક, રાજકારણી અને ફિલોસોફર હતા. તેમના પિતા સાલેમ, તમિલનાડુની કોર્ટમાં ન્યાયાધીશ હતા. રાજાજી પર ગાંધીજીના અસહકાર આંદોલનની એવી અસર પડી કે તેમણે વકીલાતની ધીકતી પ્રેક્ટિસ છોડી દીધી, ખાદી પહેરી લીધી અને આઝાદીની લડતમાં જોડાઈ ગયા.
પહેલા મિત્ર બન્યા, પછી વેવાઈ
રાજાજી ગાંધીજીની ખૂબ નજીક હતા. ગાંધીજી ઘણી ગંભીર બાબતોમાં રાજાજીની સલાહ લેતા. ગાંધીજી જેલમાં હતા ત્યારે તેમના દ્વારા સંપાદિત પેપર 'યંગ ઈન્ડિયા'નું સંપાદન રાજાજી જ કરતા. ગાંધીજી રાજાજીને જ એમના ઉત્તરાધિકારી ગણાવતા. બંને વચ્ચે ઘનિષ્ઠતા એટલી વધી કે રાજાજીએ તેમની પુત્રી લક્ષ્મીને ગાંધીજીના આશ્રમમાં રહેવા મોકલી. વર્ધા આશ્રમમાં રોકાણ દરમિયાન લક્ષ્મીને ગાંધીજીના નાના પુત્ર દેવદાસ સાથે પ્રેમ થઈ ગયો. ત્યારે દેવદાસની ઉંમર 28 વર્ષની હતી અને લક્ષ્મીની 15. ગાંધીજી અને રાજાજી એમના લગ્નની તરફેણમાં નહોતા. કદાચ અલગ જ્ઞાતિને કારણે અથવા વયના તફાવતને લીધે. છતાં દેવદાસ અને લક્ષ્મી પરણવાની હઠ લઈને બેઠા ત્યારે રાજાજીએ દેવદાસ સામે શરત મૂકી કે તેણે 5 વર્ષ સુધી લક્ષ્મીથી દૂર રહેવું, એ પછી પણ જો તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ ચાલુ રહેશે તો તેમના લગ્ન કરાવી અપાશે. બંનેએ શરતનું પાલન કર્યું, સફળતાપૂર્વક કર્યું અને એટલે 1933માં બંનેના લગ્ન કરાવી દેવાયા. આ રીતે રાજાજી અને ગાંધીજી મિત્રમાંથી વેવાઈ બની ગયા.
ગાંધીજી સાથે ગજગ્રાહ
કોંગ્રેસમાં જોડાયા પછી રાજાજીએ જોરશોરથી આઝાદીના કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. જોકે, બીજા વિશ્વયુદ્ધની શરૂઆત વખતે 1939માં તેમને કોંગ્રેસ સાથે વૈચારિક મતભેદ નડ્યો. ગાંધીજીના વડપણતળે કોંગ્રેસ માનતી હતી કે વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકારને માત્ર નૈતિક ટેકો આપવો જોઈએ, જ્યારે રાજાજીનો મત એવો હતો કે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાની શરતે ભારતે બ્રિટિશ સરકારને દરેક પ્રકારનો ટેકો આપવો જોઈએ. મતભેદો એટલા વધી ગયા કે રાજાજીએ કોંગ્રેસ કાર્યકારિણીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. જોકે, પછીથી તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા હતા.
નેહરુ સાથેની મિત્રતા અને શત્રુતા
દેશની વચગાળાની સરકારની રચના 1946માં થઈ ત્યારે રાજાજીને કેન્દ્ર સરકારમાં ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા. 1947માં દેશને આઝાદી મળ્યા બાદ તેઓ બંગાળના ગવર્નર બન્યા. નેહરુ તો તેમને પ્રથમ રાષ્ટ્રપતિ બનાવવા માંગતા હતા પરંતુ તેમ થઈ ન શક્યું. 1948માં રાજાજી ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. 1950માં તેમને ફરીથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા. 1952ની સામાન્ય ચૂંટણીમાં તેઓ લોકસભાના સભ્ય બન્યા અને મદ્રાસના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. પરંતુ થોડા વર્ષો પછી નેહરુ અને કોંગ્રેસથી નારાજ હોવાથી તેમણે મુખ્યમંત્રી પદ અને કોંગ્રેસ બંને છોડી દીધાં. રાજાજીને નેહરુના ડાબેરી સમાજવાદ તરફના ઝુકાવ અંગે વાંધો હતો. તેમનું માનવું હતું કે આનાથી કોંગ્રેસને નુકસાન થશે. કોંગ્રેસથી અલગ થઈને એમણે 1959માં ‘સ્વતંત્ર પાર્ટી’ની રચના કરી હતી.
દેશને આપ્યો મજબૂત વિરોધ પક્ષ
રાજાજીએ એનજી રંગા અને મીનુ મસાણી જેવા દિગ્ગજ નેતાઓ સાથે મળીને ‘સ્વતંત્ર પાર્ટી’ની સ્થાપના કરી હતી. 1962ની ચૂંટણીમાં એમની પાર્ટીએ 18 અને 1967ની ચૂંટણીમાં 44 લોકસભા બેઠકો જીતી. એ સમયે એમની પાર્ટી કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર બની હતી, પરંતુ એ પછી પાર્ટીનું અસ્તિત્વ જોખમાયું. 1971ની ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીને માત્ર 8 બેઠકો મળી, જેને કારણે મસાણીએ રાજીનામું આપી દીધું. રાજાજીએ પાર્ટીને ટકાવી રાખવાની કોશિશ કરી પણ 25 ડિસેમ્બર 1972ના રોજ એમનું અવસાન થયા પછી બે જ વર્ષની અંદર સ્વતંત્ર પાર્ટીનો વાવટો સંકેલાઈ ગયો.
ભારતના સૌથી વિદ્વાન માણસની દૂરંદેશી
1942માં અલ્હાબાદ કોંગ્રેસ અધિવેશનમાં દેશના વિભાજન માટે સંમત થનાર રાજાજી પ્રથમ વ્યક્તિ હતા. એમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, દેશની જે હાલત છે એ જોતાં ભાગલા થવાના જ છે. દેશના ભાગલા માટે સહમતી વ્યક્ત કરવા બદલ એમણે ઘણાબધા લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આધુનિક ભારતીય ઈતિહાસના ચાણક્ય ગણાતા રાજાજીની વાત 1947માં સાચી પડી અને દેશ બે ટુકડામાં વિભાજિત થયો. દેશ આઝાદ થયો એ પછી નેહરુ કેબિનેટમાં ગૃહ પ્રધાન તરીકે રાજાજીએ 1951માં જ સામ્યવાદી ચીનની વિસ્તારવાદી યોજનાઓ વિશે સરકારને ચેતવણી આપી હતી, જે ભવિષ્યમાં સાચી પડવાની હતી, ભારત માટે યુદ્ધ નોંતરી લાવવાની હતી.
રામચંદ્ર ગુહાએ તેમના પુસ્તક ‘ધ લાસ્ટ લિબરલ’માં રાજાજીને ભારતના સૌથી વિદ્વાન માણસ ગણાવ્યા છે. ગુહાએ લખ્યું છે કે, જો 1942માં વિભાજન અંગેના રાજાજીના મંતવ્યો સાંભળવામાં આવ્યા હોત તો કદાચ આપણે ભાગલાના પરિણામે થયેલા રક્તપાતમાંથી બચી શક્યા હોત.