ભાજપને પડકારવા કોંગ્રેસે બનાવ્યો માસ્ટર પ્લાન, 'જર્મની મોડેલ' પર તૈયાર કરશે ચૂંટણીનો ઢંઢેરો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
ભાજપને પડકારવા કોંગ્રેસે બનાવ્યો માસ્ટર પ્લાન, 'જર્મની મોડેલ' પર તૈયાર કરશે ચૂંટણીનો ઢંઢેરો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 04 માર્ચ 2024 સોમવાર

ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સતત બેરોજગારી અને પેપર લીકને લઈને મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રવિવારે ગ્વાલિયરમાં પણ રાહુલ ગાંધીએ કહ્યુ કે ભારતમાં યુવાનોનો બેરોજગારી દર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાનથી પણ વધુ છે. રિપોર્ટ અનુસાર આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને જ ભાજપ સામે મોટો મુદ્દો બનાવવાની છે. કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં અમુક એવા વાયદા કરવાની છે જે અત્યાર સુધી કરવામાં આવ્યા નથી. કોંગ્રેસ પાર્ટી જર્મનીના મોડલને પોતાના ચૂંટણી ઢંઢેરામાં રજૂ કરી શકે છે.

રોજગારનું જર્મની મોડલ શું છે

રાહુલ ગાંધી ઘણી વખત મોદી સરકાર પર આરોપ લગાવે છે કે તેઓ યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. આ સિવાય પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવતા રહે છે. હવે કોંગ્રેસ જર્મનીના ડ્યુઅલ એજ્યુકેશન મોડલને લઈને વિચાર કરી રહી છે. જોકે આને ભારતીય પરિસ્થિતિમાં ઢાળીને જ રજૂ કરવામાં આવશે. આ મોડલ હેઠળ વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગ સિસ્ટમને શિક્ષણની સાથે રાખવામાં આવે છે. આ મોડલ વોકેશનલ સ્કુલમાં અભ્યાસ દરમિયાન જ કંપનીમાં કામ કરવાની તક આપે છે. તેનાથી યુવાનોને શિક્ષણ બાદ રોજગાર મળવાનું સરળ થઈ જાય છે. કોંગ્રેસ નેતાઓનું માનવુ છે કે દેશના યુવાનોને જોબ માર્કેટમાં જવાની એક આકર્ષક ઓફર આપવાની જરૂર છે. જોકે આ કાર્ય સરળ નથી. આવુ કરવા માટે પ્રાઈવેટ અને સરકારી બંને સેક્ટરને એજ્યુકેશન મોડલનો ભાગ બનવુ પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં કોંગ્રેસ પાર્ટીની મેનિફેસ્ટો સમિતિ ટૂંક સમયમાં જ પોતાનું કામ પૂરુ કરવાની છે. પાર્ટીનું માનવુ છે કે એપ્રેન્ટિસશિપ મોડલ દેશના યુવાનોને જરૂર આકર્ષિત કરશે. શક્ય છે કે ચૂંટણી ઢંઢેરામાં જ એપ્રેન્ટિસશિપ પીરિયડ અને તેની સાથે મળનાર સ્ટાઈપેન્ડ વિશે પણ જણાવવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મોડલ હેઠળ યુવાનો સરળતાથી નોકરી શરૂ કરી શકે છે. આ રોજગારના અધિકારની જેમ મોડલ છે જેમાં કોઈ પણ એક વર્ષ માટે હકથી નોકરી માંગી શકે છે. 

જાણકારી અનુસાર કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં પેપર લીકના મુદ્દાને પણ છોડવા માંગતી નથી. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેપર લીકને લઈને કડક કાયદો બનાવ્યો છે. જેનાથી કોપી કરનાર પર એક્શન લઈ શકાય. જોકે કોંગ્રેસ પાર્ટી તેનાથી પણ એક પગલુ આગળ જઈને ઉમેદવારોને વળતર આપવાનો પણ વાયદો કરવા જઈ રહી છે. આ સિવાય કોંગ્રેસ યુવાનોને સ્ટાર્ટઅપ બિઝનેસ માટે પણ યોજનાનોવાયદો આપશે.


Google NewsGoogle News