દૂધનું દૂધ... પાણીનું પાણી: શું કોંગ્રેસે ખરેખર સંપત્તિ ઝૂંટવી લઘુમતીઓને ફાયદો આપવાની વાત કહી છે?
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના વારસાગત ટેક્સ અંગેના નિવેદન બાદ દેશમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે આ એક સંકેત છે કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો તે લોકોની સંપત્તિ વહેંચી દેશે. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીમાં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારથી કોંગ્રેસ જે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે તે આગમાં સામ પિત્રોડાએ ઘી હોમ્યું છે.
સામ પિત્રોડા શું બોલ્યાં?
કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ કહ્યું કે,'અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલાય છે. જો કોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ હોય અને તે મૃત્યુ પામી જાય તો તે ફક્ત 45 ટકા જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે.' જો કે તેમના આ નિવેદન પર વિવાદ થતાં તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 'મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે.'
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સંપત્તિ મામલે શું છે?
ભાજપ કોંગ્રેસ પર આરોપ લગાવી રહી છે કે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સંપત્તિની વહેંચણી અને મુસ્લિમોને લગતા આવા વચનો આપવામાં આવ્યા છે જે દેશના ભાગલા પાડવાનું કામ કરે છે. જો કે, કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે,'તે નીતિઓમાં યોગ્ય ફેરફારો દ્વારા સંપત્તિ અને આવકની વધતી અસમાનતાને દૂર કરશે.'
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લઘુમતી અંગે શું છે?
કોંગ્રેસે લઘુમતીઓને લઈને ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે, 'બેંક લઘુમતીને કોઈપણ ભેદભાવ વિના લોન આપશે. લઘુમતીઓનું આર્થિક સશક્તિકરણ એ ભારત માટે તેની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે એક જરૂરી પગલું છે.'
કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે, 'ભારતમાં રહેતા તમામ લોકો અને ભારતમાં જન્મેલા તમામ બાળકો તેમના ધર્મનું પાલન કરવાના અધિકાર સહિત માનવ અધિકારોના સમાન હકદાર છે. બહુલતાવાદ અને વિવિધતા ભારતની પ્રકૃતિનો મુખ્ય ભાગ છે અને બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ છે.'