કોંગ્રેસની મોટી જાહેરાત: 26 જાન્યુઆરીથી 'સંવિધાન બચાઓ રાષ્ટ્રીય પદયાત્રા' શરુ કરાશે, એક વર્ષ ચાલશે
Samvidhan Bachao Pad Yatra: કોંગ્રેસ 26 જાન્યુઆરી 2025થી 'સંવિધાન બચાઓ રાષ્ટ્રીય પદ યાત્રા' યોજશે. કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની બેઠક બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, 'અમારું માનવું છે કે, 'ભારત જોડો યાત્રા'એ કોંગ્રેસને 'સંજીવની' આપી હતી અને તેનાથી કોંગ્રેસની રાજનીતિમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર આવ્યો હતો. અમે ભારત જોડો ન્યાય યાત્રા પણ યોજી. હવે 26 જાન્યુઆરી 2025થી અમે એક વર્ષ સુધી ચાલનારી 'સંવિધાન બચાઓ રાષ્ટ્રીય પદ યાત્રા' શરુ કરીશું.'
ત્યારે, કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, 'કોંગ્રેસ ડિસેમ્બર-2024થી જાન્યુઆરી 2026 સુધી લોકોથી જોડાયેલા મુદ્દાઓને ઉઠાવતા 'જય બાપુ, જય ભીમ, જય સંવિધાન' રાજકીય અભિયાન શરુ કરશે.'
આ પણ વાંચો: સોનિયા ગાંધીએ કર્યું 'નવ સત્યાગ્રહ'નું આહ્વાન, કહ્યું- ગાંધીવાદી સંસ્થાઓ પર હુમલા વધ્યા
પીટીઆઇ અનુસાર, કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)માં ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની ફરી માગ કરાઈ. તેની સાથે જ જલ્દીથી સામાજિક-આર્થિક જાતિ વસ્તીગણતરીની માગનો પ્રસ્તાવ પણ રખાયો. કોંગ્રેસે વધતી મોંઘવારી પર પણ ચિંતા વ્યક્ત કરી. સાથે જ સરકાર પાસે ગરીબોને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવા અને બજેટમાં મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહત આપવાનો આગ્રહ કર્યો. આ સાથે બાંગ્લાદેશમાં ધાર્મિક અલ્પ સંખ્યકો પર હુમલા પર પણ ચિંતા વ્યક્ત કરી, કેન્દ્ર સરકાર પાસે અલ્પ સંખ્યકોની સુરક્ષા અને ભલાઈ નક્કી કરવાનો આગ્રહ કર્યો.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં કહ્યું કે, 'બેલગાવીમાં આયોજિત વિસ્તૃત CWCની 'નવી સત્યાગ્રહ' બેઠકમાં નવો સંકલ્પ-સંવિધાનની રક્ષા માટે અમે સંગઠિત છે, સંકલ્પબદ્ધ છે અને સમર્પિત છે.'