અદાણી-સેબી મુદ્દે કોંગ્રેસ કરશે રાષ્ટ્રવ્યાપી આંદોલન, JPC તપાસ અને માધબી બુચના રાજીનામાની માંગ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
Congress


Congress Agitation on 22nd Aug: સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામે હિંડનબર્ગના રિપોર્ટ બાદ દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ મામલે કોંગ્રેસ દ્વારા સેબીના ચેરપર્સન માધબી પુરી બુચને પદ પરથી હટાવવાની ઝુંબેશ શરૂ કરી છે. આ અંગે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ કોંગ્રેસના પ્રદર્શનના કેન્દ્રમાં હશે. 22મી ઑગસ્ટે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે અને ઈડી ઓફિસનો ઘેરાવ કરશે.

કોંગ્રેસનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

દિલ્હીમાં AICC મહાસચિવ અને કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, '22મી ઑગસ્ટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્તરનું મોટું આંદોલન થશે. અમે દરેક રાજ્યની રાજધાનીમાં ઈડીની ઓફિસનો ઘેરાવ કરીશું અને સેબીના ચેરપર્સનને પદ પરથી હટાવવાની માગ કરીશું.'

કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, 'અમે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં AICC મહાસચિવ, પ્રભારી અને PCC પ્રમુખોની બેઠક બોલાવી હતી. અમે અત્યારે દેશમાં થઈ રહેલા સૌથી મોટા કૌભાંડોમાંના એકની ચર્ચા કરી છે. અમે સર્વસંમતિથી હિંડનબર્ગના ખુલાસા મુદ્દે પર માંગ સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું: એક, જેપીસી તપાસ જેમાં વડાપ્રધાન સંપૂર્ણ રીતે સામેલ હોય.'

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ આ અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે અને હિંડનબર્ગ રિપોર્ટની જેપીસી તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, 'આ મામલે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી પડશે. હું ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીશ.'

આ પણ વાંચો: SEBI ચીફના ખુલાસા સામે હિંડનબર્ગનું આવ્યું રિએક્શન, કહ્યું - 'સ્પષ્ટતા કરવામાં જ સ્વીકારી લીધું...'


ભાજપના કોંગ્રેસ પર પ્રહાર

શેરબજારની ગતિવિધિઓ પર નજર રાખતા શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટ પર કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો. 

આ પણ વાંચો: મોદી સરકારે પરંપરા તોડી IAS ન હોવા છતાં માધબીને SEBIના ચેરમેન બનાવ્યા હતા


હિંડનબર્ગે રિપોર્ટમાં આ આક્ષેપો કર્યા હતા

હિંડનબર્ગે દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્હિસલબ્લોઅર ડૉક્યુમેન્ટ દર્શાવે છે કે સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચે પાંચમી જૂન 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમનું ખાતું ખોલાવ્યું હતું. આમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડૉલર હોવાનો અંદાજ છે. હિંડનબર્ગે આક્ષેપ કર્યો હતો કે ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના અદાણી ગ્રુપના ડાયરેક્ટર દ્વારા ઈન્ડિયા ઇન્ફોલાઇન દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં નોંધાયેલ છે.

હિંડનબર્ગ રિસર્ચ શું છે? 

'હિંડનબર્ગ રિસર્ચ'એ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે, જેની સ્થાપના વર્ષ 2017માં નાથન એન્ડરસન દ્વારા થઈ હતી. ન્યુ જર્સીના માન્ચેસ્ટર ટાઉનશીપમાં છઠ્ઠી મે, 1937ના રોજ હિંડનબર્ગ એરશિપ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 36 લોકો માર્યા ગયા હતા. નાથનનું માનવું છે કે એ 'માનવસર્જીત' દુર્ઘટના ટાળી શકાય એવી હતી. વર્તમાન જગતમાં એવી માનવસર્જીત કોર્પોરેટ છેતરપિંડી અને ગેરરીતિને ઉઘાડા પાડવાની નેમ હોવાથી નાથને એની ફર્મને હિંડનબર્ગનું નામ આપ્યું છે. 

અદાણી-સેબી મુદ્દે કોંગ્રેસ કરશે રાષ્ટ્રવ્યાપી આંદોલન, JPC તપાસ અને માધબી બુચના રાજીનામાની માંગ 2 - image


Google NewsGoogle News