VIDEO: નીતિન ગડકરીનો ખોટો વીડિયો શેર કરવો કોંગ્રેસને ભારે પડ્યો, ફરિયાદ બાદ કાર્યવાહી શરૂ
કોંગ્રેસે ગડકરીનો ખોટો વીડિયો શેર કરતા મહારાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા ટીમે કાયદાકીય નોટિસ મોકલી
મહારાષ્ટ્ર ભાજપે કોંગ્રેસ પર રાજકીય લાભ ઉઠાવવા, ખોટી માહિતી ફેલાવવા અને પ્રજાને છેતરવાનો આરોપ લગાવ્યો
Maharashtra BJP issues legal notice to Congress : કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)નો ખોટો અને ભ્રામક વીડિયો શેર કર્યા બાદ મહારાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા ટીમે કાયદાકીય નોટિસ મોકલી છે. મહારાષ્ટ્ર ભાજપે કોંગ્રેસ પર રાજકીય લાભ ઉઠાવવા, ખોટી માહિતી ફેલાવવા અને પ્રજાને છેતરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, આવી ઘટનાને કોઈપણ કિંમતે સહન કરાશે નહીં.
‘આજે ગામડાઓ, ગરીબો, શ્રમિકો અને ખેડૂતો દુઃખી’
વાસ્તવમાં કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિનનો એક વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસે ગડકરીએ પહેલી માર્ચે ધ લલ્લનટોપને આપેલા ઈન્ટરવ્યૂનો 19 સેકન્ડનો વીડિયો કાપી શેર કર્યો છે. વીડિયોમાં ગડકરી બોલી રહ્યા છે કે, ‘આજે ગામડાઓ, ગરીબો, શ્રમિકો અને ખેડૂતો દુઃખી છે. ગામડાઓમાં સારા રસ્તાઓ નથી, પીવા માટે શુદ્ધ પાણી નથી, સારી હોસ્પિટલો નથી અને સારી સ્કૂલો નથી.’
‘આજે ખેડૂતોને તેમના પાકના ભાવ નથી મળી રહ્યા’
કોંગ્રેસે આ વીડિયો શેર કરવાની સાથે લખ્યું કે, ‘મોદી સરકારના મંત્રીનું કહેવું છે કે, આજે ખેડૂતોને તેમના પાકના ભાવ નથી મળી રહ્યા. કોંગ્રેસનું વચન છે કે, ખેડૂતોને MSPની કાયદાકીય ગેરંટી આપીશું.’ કોંગ્રેસે વિડિયો એવો દર્શાવ્યો છે કે જાણે ગડકરી કહી રહ્યા હોય કે મોદી સરકારના રાજમાં ગામડાઓ અને આદિવાસી વિસ્તારો સંકટમાં છે. તેમની પાસે પોતાની સ્થિતિ સુધારવા માટે માળખાગત સુવિધાનો અભાવ છે.
ગડકરીનો આખો ઈન્ટરવ્યૂ જોયા બાદ હકીકત સામે આવી
ગડકરીનો આખો ઈન્ટરવ્યૂ જોયા બાદ કોંગ્રેસે શેર કરેલા વીડિયોની હકીકત સામે આવી છે. ગડકરીના એક કલાક અને 42 મિનિટના આ વીડિયોમાં ગ્રામીણ અર્થવ્યવસ્થાની વાત સાંભળવા મળી રહી છે. વીડિયોમાં 15.20થી 15.45 ટાઈમસ્ટેમ્પ વચ્ચે ગડકરીને ખેડૂત અંગેનો પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો તેઓ જવાબ આપે છે.
ગડકરીએ શું કહ્યું હતું ?
ઈન્ટરવ્યૂમાં 18 મિનિટ, 07 સેકન્ડ બાદ ગડકરી બોલી હ્યા છે કે, ‘કૃષિ પર નિર્ભર લોકોની સંખ્યા 65 ટકા છે. ગાંધીજીના સમયમાં 90 ટકા વસ્તી ગામડામાં રહેતી હતી. ધીરે ધીરે 30 ટકા લોકો ગામમાંથી જતા રહ્યા. આવું કેમ થયું? આવું એટલે થયું કે, ગામડાઓમાં ગરીબી હતી, ત્યાં સારા રસ્તાઓ ન હતા, પીવા માટે પાણી ન હતું, સારી હોસ્પિટલો ન હતી. સારી સ્કૂલો ન હતી અને ખેડૂતોને તેમના પાકના ભાવ મળતા ન હતા. એવું નથી કે, ગામડાઓમાં વિકાસ થયો નથી, પરંતુ જેટલે વિકાસ અન્ય જગ્યાએ થયો, તેમનો ગામડાઓમાં થયો નથી. અમારી સરકાર આવ્યા બાદ આ મુદ્દે ઘણું કામ કરી રહી છે. અમે 550થી વધુ મહત્વાકાંક્ષી બ્લોક્સ અને 120 મહત્વકાંક્ષી જિલ્લાની ઓળખ કરી છે, જ્યાં પરિવર્તન થઈ રહ્યું છે.’ PIBએ કોંગ્રેસ દ્વારા શેર કરાયેલ વીડિયોનું ફેક્ટ ચેક કર્યા બાદ ખોટો અને ઓરિજિનલ ક્લિપ શેર કરીને લખ્યું કે, કોંગ્રેસે ગડકરીનો વીડિયો ખોટો શેર કર્યો છે.