કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારની તૈયારી, 12 રાજ્યોમાં કરી કાર્યવાહી, અનેક લોકોની ખુરશી ખતરામાં
Political News : કોંગ્રેસે લોકસભા ચૂંટણી બાદ સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવાની તૈયારીઓ શરુ કરી દીધી દીધી છે. જે રાજ્યોની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની નબળી કામગીરી સામે આવી છે, ત્યાં કોંગ્રેસે મોટા ફેરફાર કર્યા છે. જ્યારે તેલંગણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં પણ પ્રદેશ અધ્યક્ષ બદલાઈ શકે છે. જો કે હાલ પાર્ટીએ મહિલા કોંગ્રેસ અને NSUIમાં મોટા ફેરફાર કર્યા છે, જેમાં નવ રાજ્યોમાં NSUI અધ્યક્ષ અને ત્રણ રાજ્યોમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ બદલવામાં આવ્યા છે. આ અંગે કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કે. સી. વેણુગોપાલે (KC Venugopal) એક પત્ર પણ જાહેર કર્યો છે.
કોંગ્રેસે NSUI અને મહિલા કોંગ્રેસમાં કર્યા ફેરફાર
કોંગ્રેસે (Congress) જે રાજ્યોમાં NSUI અધ્યક્ષ બદલ્યા છે તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, દિલ્હી, તેલંગાણા અને હિમાચલનો સમાવેશ થાય છે. પાર્ટીએ થોડા દિવસો પહેલાં રાજસ્થાનમાં પણ NSUI અધ્યક્ષ બદલ્યા હતા. ઝારખંડમાં આદિવાસી સમુદાયના વિનય ઓરાંવ, બિહારમાં યાદવ સમુદાયના જયશંકર પ્રસાદ, રાજપૂત સમુદાયના અભિનંદન ઠાકુરને હિમાચલ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બનાવ્યા છે. પાર્ટીએ ‘એક પદ, એક વ્યક્તિ’ની ફોર્મ્યુલા પણ લાગુ કરી છે. તેલંગાણામાં MLC બનાવાયેલા બી. વૈકેંટને હટાવીને વાઈ. વી. સ્વામીને NSUIના અધ્યક્ષ બનાવાયા છે.
ચંડીગઢમાં નંદિતા હુડ્ડા, કર્ણાટકમાં સૌમ્યા રેડ્ડીની નિમણૂક
પાર્ટીએ ચંડીગઢમાં મહિલા સંગઠનોની શ્રેષ્ઠ કામગીરી તેમજ 10 વર્ષ બાદ ચંડીગઢ બેઠક પર જીતની નોંધ લીધા બાદ એક્ટિંગ પ્રેસિડેન્ટ નંદિતા હુડ્ડાની ચંડીગઢ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. આવી જ રીતે બેંગુલુરુમાં સૌમ્યા રેડ્ડીને કર્ણાટક મહિલા કોંગ્રેસની અધ્યક્ષ બનાવી છે. સૌમ્યા ડી. કે. શિવકુમાર જૂથની છે અને પંચાયત તેમજ કૉર્પોરેશનની ચૂંટણીને ધ્યાને રાખી તેમની નિમણૂક કરવામાં આવી છે.
કોંગ્રેસના મુખ્ય સંગઠનોમાં પણ થશે ફેરફાર?
કોંગ્રેસે વર્ષ 2022માં મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ અધ્યક્ષ બનાવ્યા બાદ મુખ્ય સંગઠનોમાં મોટા ફેરફારની ચર્ચાઓ થઈ હતી. જો કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના દમદાર પ્રદર્શન બાદ હવે ફેરફારો થવાની ફરી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં પાર્ટીના નબળા પ્રદર્શનને ધ્યાને રાખી મોટા ફેરફાર થઈ શકે છે. તેલંગણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ પાસે બે-બે પદો છે, તેથી આ રાજ્યોમાં પણ ફેરફારની સંભાવના છે. કોંગ્રેસે હાલ કેટલાક રાજ્યોમાં NSUI અધ્યક્ષ અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષો બદલ્યા બાદ મુખ્ય સંગઠનમાં પણ ફેરફાર થવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.