Get The App

રોહિત શર્માને 'જાડો' કહેવા મુદ્દે શમા મોહમ્મદને ડિલીટ કરી પોસ્ટ, કોંગ્રેસે કર્યો હતો આદેશ

Updated: Mar 3rd, 2025


Google NewsGoogle News
Shama Mohammed Over Rohit Sharma


Shama Mohammed Over Rohit Sharma: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્માને 'જાડો' કહેતા હોબાળો થઈ ગયો છે. ભાજપે તેને બોડી શેમિંગ ગણાવ્યું છે. તેમજ કોંગ્રેસે પણ શમા મોહમ્મદને આ પોસ્ટ હટાવવા માટે કહ્યું છે.

જાણો શમા મોહમ્મદે શું કહ્યું 

શમા મોહમ્મદે રોહિત શર્માને 'જાડો' ગણાવતાં કહ્યું હતું કે, 'રોહિત શર્મા એક ખેલાડી તરીકે જાડો છે. તેણે વજન ઘટાડવાની જરૂર છે. તેમજ તે ભારતીય ટીમનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કૅપ્ટન છે.'

જ્યારે બીજી પોસ્ટમાં શમા મોહમ્મદે કહ્યું, 'ગાંગુલી, તેંડુલકર, દ્રવિડ, ધોની, કોહલી, કપિલ દેવ, શાસ્ત્રી જેવા પહેલાંના લોકોની સરખામણીમાં તેનામાં એવું તો શું છે. એક એવરેજ કૅપ્ટન હોવા ઉપરાંત, તે એક એવરેજ પ્લેયર પણ છે જેને ભારતનો કૅપ્ટન બનવાનો લહાવો મળ્યો છે.'

કોંગ્રેસે શમા મોહમ્મદને પોસ્ટ હટાવવા કહ્યું

કોંગ્રેસના મીડિયા પ્રભારી પવન ખેડાએ જણાવ્યું હતું કે, 'ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદ દ્વારા દિગ્ગજ ક્રિકેટ ખેલાડી પર કરવામાં આવેલી ટિપ્પણી પાર્ટીના સત્તાવાર સ્ટેન્ડનું પ્રતિનિધિત્વ કરતી નથી. તેમને X સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરવાની સૂચના આપવામાં આવી છે અને ભવિષ્યમાં વધુ સાવચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રમતગમતના મહાનુભાવોના યોગદાનને સર્વોચ્ચ સન્માન આપે છે અને તેમની વિરાસતને ઓછી આંકતા કોઈપણ નિવેદનને સમર્થન આપતું નથી.'

આ પણ વાંચો: IND vs AUS: ઑસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયામાં થશે સ્ટાર ખેલાડીની એન્ટ્રી? જાણો કોનું કપાઈ શકે પત્તું

શમા મોહમ્મદે વધી રહેલા વિવાદ પર સ્પષ્ટતા આપી

જ્યારે આ મામલે વિવાદ વધ્યો ત્યારે શમા મોહમ્મદે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, 'ખેલાડીઓની ફિટનેસને લઈને આ સામાન્ય ટ્વિટ હતું. આ બોડી શેમિંગની વાત નહોતી. મને લાગ્યું કે રોહિત શર્માનું વજન વધારે છે તેથી મેં ટ્વિટ કર્યું. મને બિનજરૂરી રીતે નિશાન બનાવવામાં આવી રહી છે. લોકશાહીમાં બોલવાનો અધિકાર છે. મેં હમણાં જ મારા વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે મેં તેની પૂર્વ કૅપ્ટન સાથે સરખામણી કરી તો તે વાતને પણ ખોટી રીતે લેવામાં આવી. મારો કહેવાનો અર્થ વિરાટ કોહલીને જોવાનો હતો. તે તેના સાથી ખેલાડીઓને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે. હું એમ પણ કહીશ કે જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચ હારી હતી ત્યારે ઘણા લોકો મોહમ્મદ શમી પર નિશાન સાધતા હતા. તે સમયે વિરાટ કોહલી શમીની સાથે ઊભો હતો.'

રોહિત શર્માને 'જાડો' કહેવા મુદ્દે શમા મોહમ્મદને ડિલીટ કરી પોસ્ટ, કોંગ્રેસે કર્યો હતો આદેશ 2 - image


Google NewsGoogle News