ઈવીએમના રોદણાં રોવાનું બંધ કરી કોંગ્રેસ પરાજય સ્વીકારે : ઓમર અબ્દુલ્લા
ઈવીએમ મુદ્દે 'ઈન્ડિયા'માં તડાં, નેતૃત્વ પછી વધુ એક મુદ્દે ગઠબંધનમાં વિરોધાભાસ
પક્ષોને મતદાન પદ્ધતિ પર વિશ્વાસ ના હોય તો તેમણે ચૂંટણી જ ના લડવી જોઈએ લોકસભાની ચૂંટણીમાં હાર્યા પછી વિધાનસભામાં હું જીત્યો હતો ઃ ઓમર
ઈન્ડિયા ગઠબંધનના મહત્વપૂર્ણ સાથી નેશનલ કોન્ફરન્સે ચૂંટણીમાં પરાજય માટે ઈવીએમને દોષ આપવા મુદ્દે કોંગ્રેસથી અલગ લાઈન અપનાવી છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળવાની કોંગ્રેસની વૃત્તિની ટીકા કરી છે.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ જ ઈવીએમથી તમારા ૧૦૦થી વધુ સાંસદો ચૂંટાઈને આવે છે તો તમે તેને પક્ષના વિજય તરીકે સેલિબ્રેટ કરો છો અને થોડાક જ મહિના પછી તમે પલટી મારીને કહો છો કે અમને ઈવીએમથી મતદાન પસંદ નથી, કારણ કે ચૂંટણી પરિણામ અમારી ઈચ્છા મુજબ આવી રહ્યા નથી. આ પ્રકારનું વલણ અયોગ્ય છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે પક્ષોને મતદાનના તંત્ર પર વિશ્વાસ ના હોય તેમણે ચૂંટણી લડવી જોઈએ નહીં. શું વિપક્ષ અને વિશેષરૂપે કોંગ્રેસનું ચૂંટણીમાં પરાજય માટે ઈવીએમને દોષિત ઠેરવવું અયોગ્ય છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તમને ઈવીએમ અંગે સમસ્યા હોય તો તમારે દરેક ચૂંટણીમાં તેનાથી સમસ્યા હોવી જોઈએ. હકીકતમાં એક ચૂંટણીમાં મતદારો તમને પસંદ કરે છે. બીજી ચૂંટણીમાં નથી કરતા. હું પોતે લોકસભા ચૂંટણીમાં હારી ગયો હતો અને વિધાનસભા ચૂંટણીમાં જીતી ગયો. મારા પક્ષને બહુમતી મળી. બંને પરિણામો મેં સ્વીકાર્યા અને ક્યારેય ઈવીએમને દોષ આપ્યો નથી. ઈવીએમ મુદ્દે તેમની ટીપ્પણી ભાજપની લાઈનને અનુરૂપ છે તેવો સવાલ કરવામાં આવતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ના એવું નથી. જે સાચું છે તે સાચું છે. પક્ષની લાઈન ફોલો કરવાના બદલે તેઓ સત્યને સત્ય અને ખોટાને ખોટું કહેવાનું પસંદ કરે છે. ભાજપ પણ કહે છે કે વિપક્ષ જીતે તો ઈવીએમને બરાબર માને છે અને હારે તો દોષ આપે છે.
અબ્દુલ્લાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વના મુદ્દે ઘમાસાણ છેડાયું છે. તૃણમૂલ કોંગ્રેસે મમતા બેનરજીને ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સોંપવાની માગ કરી છે જ્યારે કોંગ્રેસ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે જાળવી રાખવા માગે છે. આ સંદર્ભમાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનમાં કેટલાક પક્ષોને લાગે છે કે કોંગ્રેસ ગઠબંધનનું નેતૃત્વ હાંસલ કરવા માટે પર્યાપ્ત પ્રયત્ન નથી કરતી. જોકે, સંસદમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે. પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસની હાજરી સમગ્ર ભારતમાં છે, જેના પર કોઈ અન્ય પક્ષ દાવો કરી શકે તેમ નથી. કોંગ્રેસ વિપક્ષના આંદોલનનો સ્વાભાવિક નેતા છે. છતાં કેટલાક સહયોગીઓનું માનવું છે કે કોંગ્રેસ નેતૃત્વ સાબિત કરવામાં ઉણી ઉતરી છે. કોંગ્રેસે આ અંગે વિચાર કરવો જોઈએ.
ઓમર અબ્દુલ્લાએ સેન્ટ્રલ વિસ્ટા જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે પોતાના સમર્થનને તેમની સ્વતંત્ર વિચારસરણીનું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે મને લાગે છે કે દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા ખૂબ જ સારો પ્રોજેક્ટ છે. મારું માનવું છે કે નવા સંસદ ભવનનું નિર્માણ કરવું એક શાનદાર વિચાર હતો. દેશને નવા સંસદ ભવનની જરૂર હતી. પહેલાનું સંસદ ભવન જૂનું થઈ ગયું હતું અને વર્તમાન જરૂરિયાતો પૂરી કરી શકે તેમ નહોતું.
- નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ વચ્ચે ખટરાગના સંકેત
નવી દિલ્હી: ઈવીએમ મુદ્દે કોંગ્રેસના વલણથી વિપરિત નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાની ટીપ્પણી એવા સંકેત આપે છે કે બંને પક્ષો વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં સાથે લડયા હતા. જોકે, નેશનલ કોન્ફરન્સના નેતા અંગત રીતે આક્ષેપ કરતા રહ્યા છે કે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર સમયે તેનું કામ કર્યું નહોતું અને બધો જ ભાર નેશનલ કોન્ફરન્સ પર છોડી દીધો હતો. આમ છતાં નેશનલ કોન્ફરન્સે ૯૦ સભ્યોની વિધાનસભામાં ૪૨ બેઠકો જીતી અને કોંગ્રેસ માત્ર છ બેઠકો જીતી શકી.