Get The App

દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં ભાજપ પણ સામેલ, તપાસ કરાવો: કોંગ્રેસની માંગ

Updated: Feb 27th, 2025


Google NewsGoogle News
દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં ભાજપ પણ સામેલ, તપાસ કરાવો: કોંગ્રેસની માંગ 1 - image


Image Source: Twitter

Congress Says BJP Also Involved In Delhi Liquor Scam: કોંગ્રેસે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારના કાર્યકાળ દરમિયાન કથિત દારૂ નીતિ કૌભાંડમાં ભાજપ પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે CAGના રિપોર્ટમાં અનેક મહત્ત્વપૂર્ણ સવાલોને નજરઅંદાજ કરવાની વાત કહેતા વ્યાપક તપાસની માંગ કરી છે. નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ અને પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ દિક્ષિતે માંગ કરી છે કે, દારૂ કૌભાંડની તપાસનો દાયરો વધારવામાં આવે. આટલું જ નહીં ભાજપ વિરુદ્ધ આપવામાં આવેલી લેખિત ફરિયાદની પણ તપાસ કરાવવામાં આવે. 



જાહેર મંચ પર ચર્ચાની માંગ

કોંગ્રેસના નેતાઓ (દેવેન્દ્ર યાદવ અને સંદીપ દીક્ષિત)એ કહ્યું કે, 'દારૂ કૌભાંડના મુદ્દા પર જાહેર મંચ પર ચર્ચા થવી જોઈએ.' કોંગ્રેસના નેતાઓએ CAG રિપોર્ટની તપાસ માટે પીએસીની વહેલી તકે રચના કરવાની પોતાની માંગ પર ભાર મૂક્યો છે. દેવેન્દ્ર યાદવે કહ્યું કે, 'વિધાનસભામાં દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. કોંગ્રેસને પહેલાથી જ શંકા હતી કે આ નીતિમાં ઘણી અનિયમિતતાઓ છે, જેનાથી સરકારના મહેસૂલ પર અસર પડશે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિએ દારૂ નીતિ સંબંધિત લેખિત ફરિયાદ પણ તપાસ એજન્સીઓને આપી હતી, જેમાં ભાજપની સંડોવણીના પણ પુરાવા હતા.'



ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપ અને આમ આદમી પાર્ટીને પૈસા આપ્યા

દેવેન્દ્ર યાદવે સવાલ કર્યો કે, માસ્ટર પ્લાનનું ઉલ્લંઘન કરીને દારૂની દુકાનો ખોલવા માટે લાઈસન્સ કેવી રીતે આપવામાં આવ્યા. કોર્પોરેશનની પરવાનગી વિના દારૂની દુકાનો નથી ખોલી શકાતી અને તે સમયે એમસીડીમાં ભાજપનું રાજ હતું. જે દારૂની કંપનીઓને કોન્ટ્રાક્ટ મળ્યા હતા તેમણે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપ અને આમ આદમી પાર્ટીને પૈસા આપ્યા હતા. આ તમામ સવાલોની તપાસ થવી જોઈએ. 

આ પણ વાંચો: CAG: જે રિપોર્ટને 'હથિયાર' બનાવી AAP સત્તામાં આવી, હવે તેના જ કારણે કેજરીવાલ સંકટમાં

2002 કરોડ રૂપિયાની લૂંટ

તેમણે કહ્યું કે 'CAG રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, દિલ્હીના લોકો પાસેથી ટેક્સ રૂપમાં વસૂલવામાં આવેલી તેમની મહેનતની કમાણી લૂંટવામાં આવી. આમ આદમી પાર્ટીની સરકાર સતત જુઠ્ઠું બોલતી રહી કે સરકારની આવકમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ સત્ય એ છે કે નિષ્ણાત સમિતિની ભલામણોને અવગણીને 2002 કરોડ રૂપિયાની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની પરસ્પર મિલીભગતનું પરિણામ છે કે વિધાનસભામાં CAG રિપોર્ટ પર ચર્ચા નથી થઈ રહી. બંને પક્ષો આ મુદ્દા પર ચર્ચા કરવાથી દૂર ભાગી રહી છે.'

PACમાં તપાસ થવી જોઈએ

દેવેન્દ્ર યાદવે કહ્યું કે, કોંગ્રેસ ઈચ્છે છે કે, CAG રિપોર્ટની પીએસીમાં તપાસ કરવામાં આવે અને જે પણ લોકો આ લૂંટમાં સામેલ હતા તેમને સજા મળે. તેમણે વહેલી તકે પીએસી ગઠનની માંગ કરી. તેમણે કહ્યું કે, 'પરંપરાગત રીતે પીએસીની અધ્યક્ષતા વિપક્ષના નેતા કરે છે, પરંતુ દિલ્હીમાં શાસક પક્ષના નેતા તેની અધ્યક્ષતા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તો ઘણા આવા પાસાઓ છે જે ચર્ચામાં નહીં આવી શકશે. તેથી, CAG રિપોર્ટ અને આગામી રિપોર્ટ્સ પર જાહેર મંચ પર પણ ચર્ચા થવી જોઈએ.'

વ્યાપક ચર્ચાની માંગ

બીજી તરફ સંદીપ દિક્ષિતે કહ્યું કે, 'CAG રિપોર્ટમાં જણાવાયું છે કે દારૂ નીતિ જે હેતુથી બનાવવામાં આવી હતી તેમાં વારંવાર ફેરફાર કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં વધુને વધુ લોકોની ભાગીદારીની વાત કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતમાં જ્યાં 77 લોકોની ભાગીદારી હતી, તે બાદમાં ઘટીને 14 થઈ ગઈ. આ 14 એવી સંસ્થાઓ છે જે એકબીજા સાથે સંબંધિત છે. કેટલાક દેશના એવા ભાગોમાંથી આવે છે જ્યાં રાજકારણીઓ અથવા તેમના પરિવારના સભ્યોનો આમ આદમી પાર્ટીની સરકાર સાથે સંબંધ છે. તેથી શંકાની સ્થિતિ ઊભી થાય છે અને આની ઊંડાણપૂર્વક ચર્ચા થવી જોઈએ.'


Google NewsGoogle News