Budget 2025: ‘બજેટમાં બિહારને મોટી ભેટ, આંધ્રપ્રદેશની અવગણના’ કોંગ્રેસે નાણામંત્રી પર સાધ્યું નિશાન
Budget 2025 : કોંગ્રેસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટ-2025 મુદ્દે નિશાન સાધ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ‘મેક ઈન ઈન્ડિયા’ હવે ‘ફેક ઈન ઈન્ડિયા’ બની ગયું છે અને તેનું નવું નામ રાષ્ટ્રીય વિનિર્માણ મિશન છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે બજેટ ભાષણને ટાંકીને દાવો કર્યો કે, ‘ખેડૂતોની માંગ અને કૃષિ સંબંધી સંસદની સ્થાયી સમિતિની ભલામણ પર નાણામંત્રી ચૂપ રહ્યા છે.
જયરામ રમેશે નાણામંત્રી પર સાધ્યું નિશાન
તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘મેક ઈન ઈન્ડિયા, જે ફેક ઈન ઈન્ડિયા બની ગયું હતું, હવે તેનું નવું નામ રાષ્ટ્રીય વિનિર્માણ મિશન છે. નાણામંત્રીએ બજેટની શરૂઆત કૃષિથી કરી હતી, પરંતુ ખેડૂતોની માંગો અને કૃષિ અંગે સંસદીય સમિતિની ભલામણ પર તેઓ સંપૂર્ણ ચૂપ રહ્યા છે.’ તેમણે સંસદીય સમિતિની ભલામણોનો ઉલ્લેખ કર્યો, જેમાં કાયદાકીય ગેરંટી તરીકે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ના અમલીકરણ, કૃષિ લોન માફી, PM ખેડૂત ચૂકવણીના ફુગાવા સૂચકાંક અને પીએમ પાક વીમા યોજનામાં સુધારાની ભલામણ કરવામાં આવી હતી.
બજેટમાં ‘પ્રધાનમંત્રી ધન ધ્યાન કૃષિ યોજના’ની જાહેરાત
નાણામંત્રીએ શનિવારે ‘પ્રધાનમંત્રી ધન ધ્યાન કૃષિ યોજના’ની જાહેરાત કરી છે. યોજના હેઠળ ઓછી ઉપજ, આધુનિક પાકની દ્રઢતા અને સરેરાશથી ઓછા ધિરાણના માપદંડો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. સતત આઠમું બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે, આ યોજનાનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળશે.
આ પણ વાંચો : આ બજેટ મધ્યમવર્ગના ખિસ્સા ભરનારું, લોકોના સપના પૂરા કરશે: પીએમ મોદી
બિહારને ભેટ, આંધ્રપ્રદેશની અવગણના
તેમણે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘એવું લાગી રહ્યું છે કે, બિહારને ભેટ મળી છે, જ્યારે આંધ્રપ્રદેશની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. બજેટમાં બિહાર પર વધુ ધ્યાન અપાયું છે. આ રાજ્ય માટે અનેક જાહેરાત કરવામાં આવી છે, જેમાં મખાના બોર્ડની સ્થાપના, પશ્ચિમી કોસી નગર માટે નાણાંકીય સહાય અને IIT પટનાની ક્ષમતા વધારવાની જાહેરાત સામેલ છે.
બજેટમાં બિહારને મોટો ખજાનો અપાયો : જયરામ રમેશ
બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ કેન્દ્ર સરકાર બિહારમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપના કરશે અને રાજ્યની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા ત્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા પણ પૂરી પાડશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, લાગે છે કે બિહારને મોટો ખજાનો મળ્યો છે. તેમણે કહ્યું કે, સ્વાભાવિક છે કે, આ વર્ષના અંતે બિહારમાં ચૂંટણી યોજાવાની છે, પરંતુ આંધ્રપ્રદેશની ખરાબ અવગણના કેમ કરવામાં આવી?
આ પણ વાંચો : નવા ટેક્સ સ્લેબમાં કરદાતાઓને થશે 1 લાખ સુધીની બચત, જાણો કેવી રીતે?