એકનાથ શિંદેનું CM પદ જોખમમાં! ભાજપના પોસ્ટરથી મહાયુતિમાં ટેન્શનના સંકેત, કોંગ્રસે કર્યો કટાક્ષ
Maharashtra Assembly Elections : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચેનો કટાક્ષ પણ ખૂબ વધી રહ્યો છે. આ ઉપરાંત ચૂંટણી સમયે ગઠબંધનમાં મતભેદો બહાર ન આવે તે પણ એક પડકાર છે. ભાજપનું કહેવું છે કે, મહાગઠબંધનની જીત બાદ આગામી સરકાર પણ એકનાથ શિંદેના નેતૃત્વમાં જ બનશે. તો કોંગ્રેસે દાવો કર્યો છે, કે ભાજપ માત્ર એકનાથ શિંદેને પોતાની સાથે રાખવા માટે લાલચ આપી રહ્યો છે. આ બાજુ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, ભાજપ હવે એકનાથ શિંદેને મુખ્યમંત્રી નહી બનાવે. ભાજપે માત્ર પોસ્ટરમાં જ દેવેન્દ્ર ફડણવીસની મોટી તસવીર જ છાપી છે, અને એકનાથ શિંદેની તસવીર જ નથી.
ભાજપના બતાવવાના અને ખાવાના દાંત બંને અલગ
નાગપુરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન પટોલેએ કહ્યું કે, "નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપનો ચહેરો છે. ભાજપ હવે કહી રહી છે કે, એકનાથ શિંદે જ મુખ્યમંત્રી બનશે. તેઓ એટલું જ કહી રહ્યા છે કે, અમે એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ. પરંતુ પાછળ શું થશે તેની ખબર નથી. અમિત શાહે પણ કહ્યું કે, અમે તેમને તક આપી છે. ભાજપના બતાવવાના અને ખાવાના દાંત બંને અલગ છે. ભાજપ કોઈપણ ચહેરાની જાહેરાત નથી કરી રહી."
ભાજપના બેનર પર એકનાથ શિંદે ક્યાંય જોવા મળતાં નથી
આ ઉપરાંત પટોલે ભાજપના બેનરો વિશે વાત કરતાં કહ્યું કે તેમાં ત્રણેય પક્ષોના ચિન્હો છે, પરંતુ ફોટા માત્ર પીએમ મોદી અને દેવેન્દ્ર ફડણવીસના છે. ભાજપના બેનર પર એકનાથ શિંદે ક્યાંય જોવા મળતાં નથી. એક અહેવાલ મુજબ પટોલેએ કહ્યું કે આ વખતે પણ નાગપુર દક્ષિણ પશ્ચિમથી દેવેન્દ્ર ફડણવીસની જીત પાક્કી નથી. આ બેઠક પર ભાજપના નેતા સતત પાંચ વખત ધારાસભ્ય રહ્યા છે.
આ પણ વાંચો: 'કલમ 370 મુદ્દે બબાલ! જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સતત ત્રીજા દિવસે ધારાસભ્યોની ધમાચકડી
પટોલેએ કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારનું લક્ષ્ય સ્પષ્ટ છે. તેમનું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે. આ સિવાય મુખ્યમંત્રીનો નિર્ણય ઉપરથી લેવામાં આવશે. સમગ્ર રાજ્યમાં કોંગ્રેસનો પ્રભાવ છે જ્યારે અન્ય સહયોગીઓના વિસ્તારો નિશ્ચિત છે. એટલા માટે અમે વધુ સીટો પર ચૂંટણી લડી રહ્યા છીએ.