હરિયાણા વિધાનસભા માટે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી, જુઓ કોને આપી ટિકિટ
Congress 2nd List: કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેની બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા બ્રિજેન્દ્ર સિંહને જનનાયક જનતા પાર્ટીના વડા દુષ્યંત ચૌટાલા સામે ઉચાણાથી મેદાનમાં ઉતારવામાં છે. આ ઉપરાંત તોશામથી અનિરુદ્ધ ચૌધરી, મહેમથી બલરામ ડાંગી, બાદશાહપુરથી વર્ધન યાદવ, ગુરુગ્રામથી મોહિત ગ્રોવર, નાંગલ ચૌધરીથી મંજુ ચૌધરી, તોહાનાથી પરમવી સિંહ, ગન્નોરથી કુલદીપ શર્મા અને થાનેસરથી અશોક અરોરાને ટિકિટ આપવામાં આવી છે.
અત્યાર સુધી કુલ 40 ઉમેદવાર ઉતાર્યા
આ પહેલા કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જે મુજબ વિનેશ ફોગાટ જુલાના બેઠક પરથી ઝંપલાવશે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા-કિલોઈ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે કોંગ્રેસે અત્યાર સુધી કુલ 40 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન થવાની આશા
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અંગે ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હોવા છતાં હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. જો કે, કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર આપ અને કોંગ્રેસ હરિયાણામાં ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે, પરંતુ બંને પક્ષો વચ્ચે હજુ પણ કેટલીક બેઠકો મુદ્દે પેચ ફંસાયેલો છે, આ છતાં આપના નેતા રાઘવ ચઢ્ઢાએ ગઠબંધન અંગે ટુંક સમયમાં સારા સમાચાર મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.