કોંગ્રેસે 4 રાજ્યોમાં 14 ઉમેદવારોના નામ સાથે 8મી યાદી જાહેર કરી, જાણો કોણ ક્યાંથી લડશે?
જેમાં ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ આપવામાં આવી છે
ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી
Lok Sabha Elections 2024 | કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ આપવામાં આવી છે અને ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં સૌથી ખાસ નામ યાદવેન્દ્ર સિંહનું છે, જેમને મધ્યપ્રદેશના ગુનાથી ટિકિટ આપવામાં આવી છે.
4 રાજ્યોમાં ઉમેદવારો જાહેર કર્યા
ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ગુનાથી જ ચૂંટણી લડી રહ્યા છે. આ યાદીમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશના અન્ય ઉમેદવારોના નામ પણ છે. કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક બાદ કોંગ્રેસે બુધવારે રાત્રે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. જેમાં 14 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. યાદીમાં ઝારખંડની ત્રણ, મધ્યપ્રદેશની ત્રણ, તેલંગાણાની ચાર અને ઉત્તર પ્રદેશની ચાર બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
આ યાદીમાં કોને કોને મળ્યું સ્થાન... ?
કોંગ્રેસની આઠમી યાદીમાં ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડા, લોહરદગાથી સુખદેવ ભગત, હજારીબાગથી જય પ્રકાશ ભાઈને ઉમેદવાર જાહેર કરાયા છે. આ સિવાય મધ્યપ્રદેશના ગુનાથી રાવ યાદવેન્દ્ર સિંહ, દમોહથી તરવર સિંહ લોધી અને વિદિશાથી પ્રતાપ ભાનુ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે તેલંગાણાની આદિલાબાદ સીટથી અથારામ સુગુણા, નિઝામાબાદથી જીવન રેડ્ડી, મેડકથી નીલમ મધુ અને ભોંગિરથી કિરણ કુમાર રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.
ઉત્તર પ્રદેશમાંથી ચાર નામોની જાહેરાત
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ઉત્તર પ્રદેશની ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાઝિયાબાદની ડોલી શર્મા, બુલંદશહરથી શિવરામ વાલ્મિકી, સીતાપુરથી નકુલ દુબે અને મહારાજગંજથી વીરેન્દ્ર ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગત વખતે પણ કોંગ્રેસે ડોલી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
કોંગ્રેસે ગત લોકસભા ચૂંટણીમાં ગાઝિયાબાદથી ડોલી શર્માને પણ ટિકિટ આપી હતી. આ વખતે પણ કોંગ્રેસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગત વખતે ડોલી શર્મા આ સીટ ભાજપના સાંસદ વીકે સિંહ સામે હારી હતી. આ વખતે તેમનો મુકાબલો આ સીટ પર ભાજપના ઉમેદવાર અતુલ ગર્ગ સામે થશે.