CAA લાગુ થતા કોંગ્રેસ ભડકી, કહ્યું- 'ચાર વર્ષ અને ત્રણ મહિના લાગ્યા, જાણીજોઈને ચૂંટણીનો સમય પસંદ કર્યો'
Citizenship Amendment Act : કેન્દ્ર સરકારે સોમવારે (11 માર્ચ) 'નાગરિકતા (સંશોધન) અધિનિયમ, 2019'ને લાગુ કરવાથી જોડાયેલા નિયમોની માહિતી જાહેર કરી દીધી. તેનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી દસ્તાવેજ વગર ભારત આવનારા બિન-મુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા આપવાનો રસ્તો ખુલી ગયો છે. CAAને લઈને નોટિફિકેશન જાહેર થવા પર કોંગ્રેસ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે CAAને લાગૂ કરવાના સમયે સવાલ ઉઠાવ્યા છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે પોતાના સત્તાવાર 'X' હેન્ડલથી પોસ્ટ કરી, 'ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર કરાયેલ નાગરિકતા સંશોધન અધિનિયમના નિયમોની માહિતી આપવામાં મોદી સરકારે ચાર વર્ષ અને ત્રણ મહિના લગાવી દીધા. વડાપ્રધાન દાવો કરે છે કે, તેમની સરકાર બિલકુલ પ્રોફેશનલ રીતે અને સમયબદ્ધ રીતે કામ કરે છે.'
તેમણે લખ્યું કે, 'CAAના નિયમોને નોટિફાઈ કરવા માટે લીધેલો આટલો સમય વડાપ્રધાનના સફેદ ઝૂઠની વધુ એક ઝલક છે. નિયમોની નોટિફિકેશન માટે નવ વખત એક્સટેન્શન માંગ્યા બાદ જાહેરાત કરવા માટે જાણી જોઈને લોકસભા ચૂંટણી પહેલાનો સમય પસંદ કરાયો છે.'
કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર લગાવ્યો ધ્રુવીકરણનો આરોપ
જયરામ રમેશે પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું કે, 'આવું સ્પષ્ટ રીતે ચૂંટણીને ધ્રુવીકૃત કરવા માટે કરાયું છે, વિશેષ રીતે આસામ અને બંગાળમાં. આ ઈલેક્ટોરલ બૉન્ડ કૌભાંડ પર સુપ્રીમ કોર્ટની આકરી ઝાટકણી બાદ હેડલાઈનને મેનેજ કરવાનો પ્રયાસ પણ પ્રતીત થાય છે.'
રમઝાન પહેલાની તારીખ શા માટે પસંદ કરાઈ? : મમતા બેનર્જી
CAA પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું કે, CAAથી જો કોઈની નાગરિકતા રદ્દ થઈ તો તેને સહન નહીં કરવામાં આવે. તમારે 6 મહિના પહેલા નિયમો જાહેર કરવા જોઈતા હતા. જો કોઈ સારી વસ્તુ હોય તો અમે હંમેશા સમર્થન અને વખાણ કરત, પરંતુ જો કંઈપણ એવું કરવામાં આવે છે જે દેશ માટે સારું નથી તો ટીએમસી હંમેશા પોતાનો અવાજ ઉઠાવશે અને તેનો વિરોધ કરશે. મને ખબર પડે છે કે રમઝાન પહેલા આજની તારીખ શા માટે પસંદ કરાઈ. હું લોકોને શાંત રહેવા અને કોઈપણ અફવાથી બચવાની અપીલ કરું છું.