'અરાજક ભાષા લોકશાહી માટે ખતરનાક', નિશિકાંત દુબેના સુપ્રીમ કોર્ટ વાળા નિવેદન પર ભડકી કોંગ્રેસ
Congress Statement on Nishikant Dubey: કોંગ્રેસે શનિવારે આરોપ લગાવ્યો કે ભાજપ દેશની સુપ્રીમ કોર્ટને નબળી કરવામાં લાગી છે અને તેના અધિકારોને નબળા પાડવાના પ્રયાસ કરી રહ્યા છે જે બંધારણને સુપ્રીમ કોર્ટે આપ્યા છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે એ દાવો પણ કર્યો છે સરકારે કેટલાક પગલા સુપ્રીમ કોર્ટે બંધારણિય ગણાવ્યા, એટલા માટે તેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ભાજપ સાંસદ નિશિકાંત દુબેની સુપ્રીમ કોર્ટને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાદ ભડકી ઉઠી છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું હતું કે, આ અરાજક ભાષા લોકશાહી માટે ખતરનાક છે.
જયરામ રમેશે કહ્યું હતું કે, ભાજપ સુપ્રીમ કોર્ટને નબળી પાડવામાં લાગી છે. બંધારણીય પદો પર રહેલા લોકો સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ બોલી રહ્યા છે, મંત્રીઓ હાઈકોર્ટ વિરુદ્ધ બોલી રહ્યા છે અને હવે ભાજપના સાંસદો પણ સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ બોલી રહ્યા છે. વિવિધ અવાજો ઉઠાવવામાં આવી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટને નિશાન બનાવવામાં આવી રહી છે કારણ કે તેણે અનેક મુદ્દાઓ પર સરકારના પગલાંને ગેરબંધારણીય ગણાવ્યા છે. સુપ્રીમ કોર્ટ ફક્ત એટલું જ કહે છે કે જ્યારે તમે કાયદા બનાવો છો, ત્યારે બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ન જાઓ. કોંગ્રેસ પાર્ટી ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટ સ્વતંત્ર અને નિષ્પક્ષ રહે અને બંધારણમાં તેને આપવામાં આવેલી સત્તાઓનું સન્માન કરવામાં આવે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ નિશિકાંત દુબેના નિવેદન પર નિશાન સાધ્યું અને કહ્યું હતું કે તેમને ન તો બંધારણમાં વિશ્વાસ છે અને ન તો ન્યાયતંત્રમાં. ભાજપના સાંસદની આ અરાજકતાવાદી ભાષા લોકશાહી માટે ખૂબ જ ખતરનાક છે. આ બધું મોદીજીની ગુપ્ત સહમતિથી થઈ રહ્યું છે.
ભારતમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે CJI જવાબદાર: નિશિકાંત દુબે
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટમાં પોતાની હદની બહાર જઈ રહી છે. દરેક વસ્તુ માટે સુપ્રીમ કોર્ટ જવું પડે તો પછી સંસદ અને રાજ્યોની વિધાનસભા બંધ જ કરી દેવી જોઈએ. દેશમાં થઈ રહેલા ગૃહયુદ્ધો માટે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જવાબદાર છે. અનુચ્છેદ 377માં સમલૈંગિકતાને ગુનો માનવામાં આવતું. હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન સૌ કોઈ માને છે કે સમલૈંગિકતા ગુનો છે. પણ સુપ્રીમ કોર્ટે કાયદો ખતમ કરી નાંખ્યો. આર્ટિકલ 368 હેઠળ સંસદને કાયદો બનાવવાનો અધિકાર છે જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે કાયદાની વ્યાખ્યા કરવાનો અધિકાર છે. આર્ટિકલ 141 અનુસાર અમે જે કાયદા બનાવીશું તે નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લાગુ થશે.'
સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કઈ રીતે નિર્દેશ આપી શકે?: દુબે
નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર સીધો હુમલો કર્યો અને રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું છે, કે 'જ્યારે રામ મંદિર કે કૃષ્ણ જન્મભૂમિ કે પછી જ્ઞાનવાપીની વાત આવે ત્યારે કહો છો કે કાગળ બતાવો. મસ્જિદ પર વાત આવે ત્યારે કહે છે કે કાગળ ક્યાંથી બતાવશે? સુપ્રીમ કોર્ટ હવે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પૂછી રહ્યા છે કે ખરડાઓના સંબંધમાં શું કરવાનું છે? ભારતના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ જ રાષ્ટ્રપતિ કરે છે, તો તમે રાષ્ટ્રપતિને નિર્દેશ કઈ રીતે આપી શકો? સંસદ દેશ માટે કાયદા બનાવે છે, તમે સંસદને નિર્દેશ આપશો? આવા નવા કાયદા તમે ક્યારે બનાવી લીધા? કયા કાયદામાં લખ્યું છે કે રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા પડશે? સીધો અર્થ છે કે તમે (સુપ્રીમ કોર્ટ) દેશને અરાજકતા તરફ લઈ જવા માંગો છો. સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીશું.'