'RSS અને ચીનના પ્રતિનિધિઓની નાગપુર બેઠકનો એજન્ડા શું હતો..?' કોંગ્રેસે સવાલ ઊઠાવતાં કેન્દ્રને ઘેર્યું
ડિસેમ્બરમાં આરએસએસના વરિષ્ઠ નેતાઓ અને ચીનના ડિપ્લોમેટ્સ વચ્ચે મુલાકાત થઇ હતી
RSS and China Diplomates Meeting | ચીનના ડિપ્લોમેટ્સની નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના નેતાઓ સાથે મુલાકાત અંગે હવે કોંગ્રેસે સવાલો ઊઠાવ્યા છે. નાગપુરમાં સ્મૃતિ મંદિર પરિસરમાં આયોજિત આ બેઠક વિશે કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે પૂછ્યું કે RSS અને ચીન વચ્ચે શું સંબંધ છે?
એજન્ડા પર ઊઠાવ્યા સવાલો
કોંગ્રેસ વતી આ મામલે સવાલો ઊઠાવાયા હતા. વેણુગોપાલે પૂછ્યું કે આરએસએસના વરિષ્ઠ નેતાઓ અને ચીનના ડિપ્લોમેટ્સ (પ્રતિનિધિ) વચ્ચે મુલાકાત પાછળનો એજન્ડા શું હતો? અમે બધા અદાણી અને ચીન વચ્ચેના સંબંધો વિશે જાણીએ છીએ અને હવે બેઠકના એક મહિના બાદ આરએસએસના ચીન સાથેના લિન્ક પણ સામે આવી રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે શું એટલા માટે ચીનની મીડિયા મોદીના નેતૃત્વવાળી સરકારની પ્રશંસા કરી રહી છે?
વિદેશ મંત્રાલયનો હવાલો આપી તાક્યું નિશાન
વેણુગોપાલે આક્રમક અંદાજમાં કહ્યું કે જ્યારે વિદેશ મંત્રાલય જ સ્વીકારે છે કે ચીન સાથે સંબંધો સામાન્ય નથી તો ભાજપની મૂળ સંસ્થા જ ચીનના પ્રતિનિધિઓ કે ડિપ્લોમેટ્સ સાથે કેમ મળી રહી છે? કોંગ્રેસે આ બેઠક પર સવાલો ઊઠાવતાં કહ્યું કે આ સરકાર ચીનના સંકટનો સામનો કરવા ઉપયુક્ત નથી. વિદેશમંત્રી માને છે કે ચીન એટલો મોટો દેશ છે કે સીધી રીતે તેનો મુકાબલો ન કરી શકાય. આ સૌની વચ્ચે આરએસએસ ઉષ્માભેર ચીનનું સ્વાગત કરે છે અને આગતા સ્વાગતા કરે છે. કોંગ્રેસે તેને રાષ્ટ્રીય સુરક્ષાનો ગંભીર મામલો ગણાવતા સ્પષ્ટ જવાબની માગ કરી છે.
ક્યારે બેઠક થઈ હતી
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં ચીનના રાજદ્વારીઓના એક સમૂહે પહેલા સપ્તાહમાં આરએસએસના સ્મૃતિ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ચીન પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નો વૈચારિક રીતે વિરોધ કરે છે. જોકે આ દરમિયાન ચાઈનીઝ ડિપ્લોમેટ્સ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને મળી શક્યા નહોતા. આરએસએસના વરિષ્ઠ સભ્યોએ તેમને પરિસરની મુલાકાત કરાવી હતી.