રાહુલ ગાંધીએ શરૂ કર્યું 'વ્હાઇટ ટી-શર્ટ મૂવમેન્ટ', જાણો કોંગ્રેસ નેતાના યુવાનોને જોડવાના નવા અભિયાન વિશે
Rahul Gandhi White T-shirt Movement: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે યુવાનોને પોતાની પાર્ટી સાથે જોડવા માટે વ્હાઇટ ટી-શર્ટ મૂવમેન્ટ શરૂ કરી છે. તેમણે યુવાનોને આ અભિયાનમાં ભાગ લેવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ આ અભિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકાર વિરૂદ્ધ શરૂ કર્યું છે. જેમાં ફરી એકવાર તેમણે કેન્દ્ર સરકાર પર ગરીબોને અવગણીને અમીરોને વધુ સમૃદ્ધ કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ યુવાનોને અપીલ કરી છે કે તેઓ તેનાથી જોડીને દેશની અર્થવ્યવસ્થાને તાકાત આપનારા માટે સન્માન, સુરક્ષા અને નિષ્પક્ષતાની માગને મજબૂત કરવામાં તેની મદદ કરે.
'અસમાનતા સતત વધી રહી છે'
રાહુલ ગાંધીએ પોતાના અભિયાનની માહિતી 'X' પર શેર કરી છે. તેમણે લખ્યું કે, 'આજે કેન્દ્ર સરકારે ગરીબ અને મહેનતુ વર્ગને અવગણ્યા છે. તેમને સંપૂર્ણ રીતે તેના હાલ પર છોડી દેવાયા છે. સરકારનું સંપૂર્ણ ધ્યાન માત્ર ગણ્યાંગાંઠ્યા ધનવાનો પર જ છે અને તેને સમૃદ્ધ કરવા પર છે. આ કારણે અસમાનતા સતત વધી રહી છે. તેઓ પોતાના પરસેવાથી દેશને પોષણ કરનારા શ્રમિકોની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તેઓ વિવિધ પ્રકારના અન્યાય અને અત્યાચાર સહન કરવા મજબૂર છે. તેવામાં આપણા બધાની જવાબદારી બને છે કે તેમને ન્યાય અને તેમના અધિકારો મેળવવા માટે જોરદાર અવાજ ઉઠાવીએ. આ વિચારને ધ્યાનમાં રાખીને અમે #WhiteTshirtMovement શરૂ કરી રહ્યા છીએ.'
તેમણે આગળ લખ્યું, 'હું મારા યુવા અને શ્રમજીવી મિત્રોને આ ચળવળમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરું છું.' આ સાથે, તેમણે આ અભિયાનમાં જોડાવા માટે એક લિંક પણ શેર કરી છે.