VIDEO: પુલવામા હુમલાના પાંચ વર્ષ પછીયે સુનાવણી નહીં, અનેક સવાલના જવાબ ના મળ્યાઃ રાહુલ
રાહુલ ગાંધીએ પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી
પુલવામામાં 2019માં આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા
Rahul Gandhi On Pulwama : જમ્મુ-કાશ્મીરમાં 2019માં થયેલી પુલવામા હુમલાને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે કોંગ્રેસ (Congress) પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ આતંકવાદી ઘટનાને લઈ અત્યાર સુધીમાં એકપણ સુનાવણી ન થઈ હોવાનો કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે.
પુલવામા હુમલાના પાંચ વર્ષ પછીયે સુનાવણી નહીં : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પુલવામાં હુમલાની ઘટનાને યાદ કરી ટ્વિટ કર્યું કે, ‘પુલવામા હુમલાને પાંચ વર્ષ! ન કોઈ સુનાવણી, ન કોઈ આશા અને અગણિત સવાલ, જેનો હજુ સુધી ન મળ્યો કોઈ જવાબ.’ તેમણે આ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં શહીદ પરિવારની વેદના વ્યક્ત કરી છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2019માં થયેલા આ હુમલામાં અર્ધસૈનિક દળના 40 જવાનો શહીદ થયા હતા.
पुलवामा हमले के 5 वर्ष!
— Rahul Gandhi (@RahulGandhi) February 14, 2024
न कोई सुनवाई, न कोई उम्मीद और अनगिनत सवाल जिनका अभी तक कोई उत्तर नहीं मिला।
आखिर शहीदों को न्याय कब?
शहीद परिवारों की पीड़ा सुनिए और समझिए pic.twitter.com/uVApUSiKy5
રાહુલ ગાંધીએ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ
રાહુલ ગાંધીએ આજે સવારે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે એક્સ પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘પુલવામા આતંકવાદી હુમલાના વીર શહીદોને શત શત નમન અને વિનમ્ર શ્રદ્ધાંજલિ. ભારતની રક્ષા માટે તેમના સર્વોચ્ચ બલિદાન માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે.’
પુલવામાના ગોઝારા હુમલાની આજે પાંચમી વરસી
કાશ્મીરના પુલવામામાં 2019ની 14મી ફેબ્રૂઆરીએ સી.આર.પી.એફ. (સેન્ટ્રાલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ ગોઝારા હુમલાની આજે પાંચમી વરસી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે 2019ની 14મી ફેબ્રૂઆરીએ 2,500 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો 78 વાહનોના કાફલામાં નેશનલ હાઈવે 44 દ્વારા જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા, ત્યારે વિસ્ફોટકો ભરેલી એક કારે કાફલને આંતર્યો હતો અને તરત જ તે કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ આતંકી હુમલામાં સી.આર.પી.એફ.ના 40 જવાનો શહીદ થયા હતા.
14 ફેબ્રુઆરી ભારતીયો માટે કાળો દિવસ
પુલવામા હુમલામાં શહીદ થયેલા બહાદુર સીઆરપીએફના જવાનોની યાદમાં ભારતીયો દ્વારા 14 ફેબ્રુઆરીને 'બ્લેક ડે' તરીકે મનાવવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે હુમલા બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર સહિતના આતંકીઓ આ હુમલાના માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું હતું.
હુમલાના વળતા જવાબમાં ભારતે ભણાવ્યો પાઠ
ભારતે પુલવામામાં ઘટના બાદ આંતકવાદીઓને પાઠ ભણવા આક્રમક વલણ લીધું હતું. 26 ફેબ્રુઆરી 2019ના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો અને હવાઈ હુમલા દ્વારા આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. 27 ફેબ્રુઆરીએ, પાકિસ્તાનની વાયુસેના ભારતને જવાબ આપવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરે છે અને હવાઈ હુમલો કરે છે. જવાબમાં ભારતીય વાયુસેના પણ ઉતરે છે. જો કે આ દરમિયાન ભારતીય મિગ-21 પાકિસ્તાની સેનાના હુમલામાં આવે છે અને પાકિસ્તાનમાં પડી જાય છે. આ પછી પાકિસ્તાની સૈનિકોએ મિગ-21ના પાયલટ અભિનંદન વર્ધમાનને પકડી લીધા હતા. 1 માર્ચ, 2019 ના રોજ, અમેરિકા અને અન્ય દેશોના દબાણને કારણે, પાકિસ્તાની સેનાએ અભિનંદન વર્ધમાનને મુક્ત છોડી દીધા હતા.