WFI વિવાદ વચ્ચે રાહુલ ગાંધી કુશ્તીબાજોના અખાડામાં પહોંચ્યા, રેસલર્સ સાથે કરી મુલાકાત
રાહુલ ગાંધી હરિયાણાના ઝજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા હતા
Rahul Gandhi Wrestlers Meeting : કુશ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણસિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુશ્તીબાજોને મળવા હરિયાણાના ઝજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા હતા અને અહીં તેણે ઘણા કુશ્તીબાજો સાથે મુલાકાત કરી હતી.
રાહુલ બજરંગ પુનિયા અને અન્ય કુશ્તીબાજોને મળ્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે વહેલી સવારે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં સ્થિત છારા ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ બજરંગ પુનિયા અને અન્ય કુશ્તીબાજોને મળ્યા હતા. છારા કુશ્તીબાજ દીપક પુનિયાનું ગામ છે. દીપક અને બજરંગે વીરેન્દ્ર અખાડાથી પોતાની કુસ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી. અખાડામાંથી રાહુલની તસવીર પણ સામે આવી છે, જેમાં તેઓ કુશ્તીબાજો સાથે બેઠા છે. બ્રૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે યૌન શોષણના આરોપી બ્રૃજભૂષણ શરણસિંહ સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ.
રાહુલે કુશ્તીબાજો સાથે શું ખાધું?
રાહુલ ગાંધી કલાકો સુધી અખાડામાં રોકાયા હતા, આ દરમિયાન કુશ્તીબાજોના ડેઈલી રુટીન વિશે જાણ્યું તેમજ તેઓ કઈ રીતે એક્સરસાઇઝ કરે છે તેના વિશે પણ માહિતી મેળવી હતી. રાહુલ ગાંધી બજરંગ પુનિયા સાથે કુશ્તી કરતા પણ દેખાયા હતા. આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા રાહુલના ફૂડને લઈને થઈ હતી જેમાં તેમણે દેશી ખોરાકનો સ્વાદ માણ્યો હતો. બજરંગ પુનિયાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સવારે 6 વાગ્યે અચાનક જ અખાડામાં પહોંચી ગયા હતા અને અમારી કસરત વિશે વાત કરી હતી તેમજ તેમણે પણ કસરત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ બાજરાની રોટલી, દૂધ અને લીલોતરી શાક ખાદ્યુ હતું.
નવા ચૂંટાયેલા પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા
રાહુલ ગાંધી કુશ્તીબાજોને એવા સમયે મળ્યા છે જ્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે તાજેતરમાં WFIનું નવું સંગઠન રદ કર્યું હતું, એટલું જ નહીં પરંતુ નવા ચૂંટાયેલા પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા. સંજય સિંહને બીજેપી સાંસદ અને ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રૃજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે. બ્રૃજ ભૂષણ શરણસિંહ પર મહિલા રેસલર્સના યૌન ઉત્પીડનનો આરોપ છે.