તમને ટેવ પડી ગઈ છે સાંપ્રદાયિક વિભાજનની..: કોંગ્રેસ પ્રમુખ ખડગેએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી વચ્ચે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે (25મી એપ્રિલ) પત્ર લખ્યો છે. બે પાનાના આ પત્ર દ્વારા કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું કે, 'અમે વડાપ્રધાન મોદીને મળવા માગીએ છીએ અને તેમને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને સમજાવવા માગીએ છીએ, જેથી તેઓ ન્યાય પત્ર અંગે કોઈ નિવેદન ન આપે જે ખોટું હોય.'
મલ્લિકાર્જુન ખડગેએ પત્રમાં શું લખ્યું?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રની શરૂઆતમાં લખ્યું કે, 'મને આશા છે કે તમે આ પત્રને સકારાત્મક રીતે લેશો. છેલ્લા કેટલાક દિવસોમાં આપેલા તમારા કેટલાક ભાષણો અને નિવેદનોથી મને ન તો આઘાત લાગ્યો કે ન તો આશ્ચર્ય થયું છે. પ્રથમ તબક્કાના મતદાન પછી તમે અને તમારા પક્ષના નેતાઓ આવી જ રીતે વાત કરશો એવી અપેક્ષાઓ હતી.'
કોંગ્રેસ અધ્યક્ષે પત્રમાં મંગળસૂત્રનો ઉલ્લેખ કર્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રમાં લખ્યું કે, 'આજે તમે ગરીબ અને પછાત વર્ગની મહિલાઓના મંગળસૂત્રની વાત કરો છો. શું તમારી સરકાર મણિપુરમાં મહિલાઓ અને દલિત યુવતીઓ પરના અત્યાચાર માટે અને દુષ્કર્મીઓને હાર પહેરાવવા માટે જવાબદાર નથી? જ્યારે તમારી સરકારના કાર્યકાળમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા, ત્યારે તમે તેમની પત્ની અને બાળકોની સુરક્ષા કેવી રીતે કરી રહ્યા હતા? અમારૂં ન્યાય પત્ર વાંચો, જે અમે સત્તામાં આવ્યા પછી લાગુ કરવામાં આવશે.'
તમને ટેવ પડી ગઈ છે સાંપ્રદાયિક વિભાજનની: મલ્લિકાર્જુન ખડગે
પત્રમાં તેમણે લખ્યું કે, 'તમને ટેવ પડી ગઈ છે સાંપ્રદાયિક વિભાજનની. આમ કરવાથી તમે તમારા પદની ગરિમાને ઓછી કરી રહ્યા છો. જ્યારે આ બધું સમાપ્ત થઈ જશે, ત્યારે લોકોને યાદ હશે કે ચૂંટણી હારવાના ડરથી દેશના વડાપ્રધાને કઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષે પત્રના અંતમાં લખ્યું કે, કોંગ્રેસના ન્યાય પત્રનો ઉદ્દેશ્ય તમામ જાતિ અને સમુદાયોના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકોને ન્યાય આપવાનો છે. તમારા સલાહકારો તમને અમારા ચૂંટણી ઢંઢેરા વિશે ખોટી માહિતી આપી રહ્યા છે. દેશના વડાપ્રધાન ખોટા નિવેદનો ન કરે તેની ખાતરી કરવા માટે, મને તમને મળીને ન્યાય પત્રની વાસ્તવિકતા સમજાવીને વધુ આનંદ થશે.'
આ પણ વાંચો: ઈન્દિરા ગાંધીએ ભાષણ શરૂ કરતા જ વીજળી ગુલ, પછી બદલાઈ ગયું ચૂંટણી પરિણામ